Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

'કોરોના'ની વિકટ સ્થિતિમાં આપણુ મનોબળ ટકી રહે તે જરૂરીઃ પૂ. મોરારીબાપુ

હનુમાન જયંતિ નિમિતે સંવાદ

રાજકોટ, તા. ૯ :. 'કોરોના' રૂપી સંકટમાં આપણુ મનોબળ ટકી રહે તે જરૂરી છે તેમ તલગાજરડા ખાતેથી પૂ. મોરારીબાપુએ સંવાદમાં કહ્યુ હતુ કે, આજે એક વિશેષ દેશકાળની સ્થિતિથી સૌ પસાર થઈ રહ્યા છીએ ત્યારે બળ, બુદ્ધિ અને વિદ્યાના ત્રિકોણની બહુ આવશ્યકતા છે આપણુ મનોબળ ટકી રહે. જ્ઞાન બળ મળી રહે, આધ્યાત્મ વિદ્યા આપણને મુકિત આપે. 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા'.

પૂ. મોરારીબાપુએ કહ્યુ કે વેદનો સાર ઉપનિષદ છે, ઉપનિષદનો સાર શ્રીમદ્દ ભગવત ગીતા છે, ગીતાનો સાર રામચરિત માનસ છે, રામચરિત માનસનો સાર છે સુંદરકાંડ અને સુંદરકાંડનો સાર કહો કે ભાષ્ય કહો એ છે હનુમાન ચાલીસા. અગાઉ અનેકવાર કથામાં કહેવાયુ છે કે હનુમાન ચાલીસા શુદ્ધ પણ છે અને સિદ્ધ પણ છે. પ્રારંભમાં ગોસ્વામી તુલસીદાસજી દોહામાં ત્રણ માગણી કરે છે. 'બલ બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિ' - આ માંગણી સમગ્ર સંસારીઓ અને સાધકો માટે કરી છે તેમ ચૈત્ર માસ અને હનુમાન જયંતિ નિમિતે પૂ. મોરારીબાપુએ એક સંવાદ દરમિયાન જણાવ્યુ હતું.

આ ત્રિસૂત્રિય, માગની પ્રથમ માગ છે મને બળ આપો. જીવનમાં બળ વિના કંઈ ન થઈ શકે. ઉપનિષદ વિચારધારા તો એમ કહે કે આત્મા બળદિનને પ્રાપ્ત ન થઈ શકે પણ વ્યકિતમાં એકલુ બળ હોય અને બુદ્ધિ ન હોય તો એ બળ હિંસા કરાવી શકે, આતંક ફેલાવી શકે, વિઘટન કરાવી શકે, વ્યકિતને સરમુખત્યાર બનાવી શકે.

એટલે બળની સાથે જોઈએ બુદ્ધિ. ગીતામાં કૃષ્ણ કતહે છે કે જે સાધક અનન્ય ભાવથી મને ભજે છે એને હું બુદ્ધિ પ્રદાન કરૂ છું પરંતુ બુદ્ધિ વિનાનું બળ સૃષ્ટિને કુરૂપ બનાવી શકે. સંવેદનવિહીન બુદ્ધિ, કેવળ બૌદ્ધિકતા, ભાવહીન બુદ્ધિ પણ પતન માટે નિમિત બની શકે. બુદ્ધિને કરૂણાસભર બનાવવા આવશ્યકતા રહે વિદ્યાની.

બળ અન્યને બંધનમાં મુકે છે, બુદ્ધિ કયારેક સ્વયં માટે બંધનકર્તા બની જાય છે, જ્યારે વિદ્યા મુકિત અપાવે છે. એવી વિદ્યા જે બળના ઘમંડથી મુકિત આપે, જે બુદ્ધિના અહંકારથી મુકિત આપે. હનુમાનજી પાસે આ ત્રણેય છે. એ અતુલિત બળનું ધામ છે, એમની સુમતિની કોઈ સીમા નથી એટલા બુદ્ધિવાન છે, વિદ્યાવાન ગુની અતિ ચાતુર છે. બળ એ કર્મયોગનું સર્જન કરે છે, બુદ્ધિએ જ્ઞાનયોગનું માધ્યમ છે અને વિદ્યા ભકિતયોગની નિમિત છે.

આજે સંકટના સમયમાં દેશ અને દુનિયા માટે આવશ્યકતા છે બળની, અધિક બુદ્ધિની, વિશેષ વિદ્યાની. વિષમ પરિસ્થિતિના અટલ રહેતા હનુમાનજી આપણને દ્રઢ આત્મબળ અને મનોબળ પ્રદાન કરે. બળનો આધ્યાત્મિક અર્થ છે આત્મબળ, મનોબળ, બુદ્ધિનો આધ્યાત્મિક અર્થ છે જ્ઞાનબળ અને વિદ્યાનો આધ્યાત્મિક અર્થ છે અધ્યાત્મ વિદ્યા. હનુમાનજીએ બળથી મા જાનકીની શોધ કરી, બુદ્ધિથી નળ નીલના માર્ગદર્શન સાથે સેતુ નિર્માણમાં પ્રધાન કાર્ય કર્યુ અને લંકાના રણ મેદાનમાં રાવણનું નિર્વાણ એમની પ્રભુદત્ત વિદ્યા દ્વારા થયું હતું.

(11:28 am IST)