Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ડોડીયાળાના નર્સ સહિત જસદણ ગ્રામ્યની ૨ મહિલાઓના રીપોર્ટ નેગેટીવ

જસદણ તા.૯: જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બે મહિલાઓને શંકાસ્પદ સ્થિતિમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. જેનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો થયો છે.

જસદણ તાલુકાના ભંડારિયા ગામના ૬૫ વર્ષીય વૃદ્ઘાને ગળામાં દુખાવો, શરદી, ઉધરસ, તાવ વગેરે જણાતા શંકાસ્પદ કેસ લાગતા તંત્રએ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ ઉપરાંત જસદણ તાલુકાના ડોડીયાળા ગામના પેટા આરોગ્ય કેન્દ્રના ૩૦ વર્ષીય મહિલા નર્સને પણ શંકાસ્પદ લાગતા તેમને પણ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગઈ કાલે રાત્રે આ બંને મહિલાઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા જસદણના વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જસદણ પંથકના કેટલાક કેસમાં રિપોર્ટ નેગેટીવ આવી ચૂકયા છે. આ ઉપરાંત જસદણ શહેર અને તાલુકામાં કેટલાક પરિવારોને હોમ કોરેન્ટાઇલ પણ રાખવામાં આવ્યા છે.

(11:02 am IST)