Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ટંકારા સખી મંડળની બહેનો દ્વારા પ૦૦૦ થી વધુ માસ્ક તૈયાર કરાયા

કોરોના વાયરસની મહામારીની સાવચેતીના ભાગરૂપે સખીમંડળોએ કરેલી મહેનત રંગ લાવી

મોરબી તા.૯ : કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરીયાત ઉભી થતાં મોરબી જિલ્લાના ટંકારાની સખી મંડળની બહેનો દ્વાા પ હજારથી વધુ માસ્ક બનાવી આપ્યા છે. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠા માસ્ક બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરી રહી છે.

ટંકારા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખા તળે બનેલાં સ્વ.-સહાય જૂથોની સખી મંડળોની બહેનો દ્વારા પ૦૦૦ થી વધુ માસ્ક બનાવવામાં આવ્યા. જેમાંથી ર૦૦૦ માસ્ક સખી બહેનો દ્વારા ''વિના મૂલ્યે'' આપવામાં આવ્યા તથા ૩૦૦૦ માસ્ક તાલુકા પંચાયતના સ્ટાફ અને આરડીસી ટંકારાની તમામ શાખાઓના સહયોગથી બનાવવામાં આવ્યા ૩૦૦૦ થી વધુ માસ્ક જિલ્લા કક્ષાની કચેરીઓ માટે અને ર૦૦૦ થી વધુ માસ્ક તાલુકા કક્ષાની કચેરીઓમાં આપવામાં આવશે.

આ બાબતે સખી મંડળોને બહેનોએ લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં જયારે લોકો પોતાનો રોજગાર છોડીને ઘરે બેઠા છે. ત્યારે અમારી સખી મંડળની બહેનો ઘરે બેઠા માસ્ક બનાવવાની પ્રવૃતિ દ્વારા આજીવિકા મેળવી રહી છે અને આ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની અમૂલ્ય તક મળેલ છે જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ.

નોંધનીય છે કે આજે કોરોનાની મહામારીના સમયમાં મો દ્વારા વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોશ્વાસ દ્વારા વાયરસ ફેલાય નહી તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે જેમને શરદી, ખાસી કે તાવ જેવા લક્ષણો જણાતા હોય તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે.

(9:31 am IST)