Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

હ્ય્દયથી કરેલા કામમાં સફળતા ચોકકસ મળે : નરેશભાઇ પટેલ

અમદાવાદ ખોડલધામ સમિતિ દ્વારા યુવાનો સાથે સિધો સંવાદ : હજારો યુવાનો ઉમટી પડયા

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે અમદાવાદ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલ યુવા સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવેલ કે ચોકકસ સમયપત્રક મુજબ કોઇ કામ કરો અને હ્ય્દય રેડીને કામ કરો તો ચોકકસ સફળતા મળે જ છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ખોડલધામ મંદિર છે. યુવાનોને સમાજ સેવા માટે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે પણ નરેશભાઇ પટેલે સલાહ આપી હતી. યુવાનોને રાજકીય ક્ષેત્રે આળગ વધવા યોગ્ય તાલિમ અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ખોડલધામના નેજા હેઠળ એક અલાયદી સંસ્થા ઉભી કરવાની પણ ખાત્રી તેઓએ ઉચ્ચારી હતી. નિકોલ ગંગોત્રી સર્કલ પાસેના સહજાનંદ ગ્રીન ખાતે યોજાયેલ આ યુવા સંસદમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા અને મુંજવતા પ્રશ્નો રજુ કર્યા હતા. શિક્ષણ, બેરોજગારી, સમાજ અને રાજકારણ જેવા વિષયોને લઇને નરેશભાઇએ યુવાનો સાથે સંવાદ કરી યોગ્ય ઉત્તર વડે તેમની સમસ્યાઓનો હલ સુચવ્યો હતો. નરેશભાઇએ કોઇપણ ક્ષેત્રે માઇક્રો પ્લાનીંગથી આગળ વધવા અને ટીમવર્ક જાળવવા શીખ આપી હતી. લેઉવા પટેલ સમાજના યુવાનો સરકારી નોકરીઓ મેળવી શકે તે માટે તેમજ સાથો સાથ રાજકારણમાં પણ આગળ આવી શકે તે માટે પુરી તૈયારી કરવામાં આવી છે. ખોડલધામના નેજા હેઠળ આ બધા કાર્યક્રમો હાથ ધરાશે તેમ જણાવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખોડલધામ સમિતિ અમદાવાદની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:56 am IST)