Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ખોડલધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણી : રાસ ગરબા, કિર્તન મંત્રજાપ થકી થઇ રહેલ શકિત ઉપાસના

રાજકોટ :  ચૈત્રી નવરાત્રી અંતર્ગત ખોડલધામ કાગવડ ખાતે માતાજીના વિશેષ પૂજા અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એકમથી નોમ સુધી રાસ, ગરબા, કિર્તન અને અન્ય કાર્યક્રમો થકી માતાજીની ઉપાસના થશે. મહિલા સમિતિ દ્વારા ચુંડદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવા કાર્યક્રમો થઇ રહ્યા છે. ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ થઇ રહેલ નવરાત્રી ઉજવણી અંતર્ગત બીજા અને ત્રીજા નોરતે રાસ ગરબા, રચનાત્મક રંગોળી અને ચુંદડી અર્પણ કરવાના કાર્યક્રમો થયા હતા.  બીજા અને ત્રીજા નોરતા દરમિયાન પોરબંદર, જામનગર, રાજકોટ, ટંકારા, ઉપલેટાથી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઇ શકિત આરાધના કરી હતી. મંદિર પરિસરમાં બહેનોએ દેશની સેનાને સમર્પિત તૈયાર કરેલ રંગોળી 'વી સેલ્યુટ આર્મી' આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. માં ખોડલને વિવિધ ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. દરરોજ માં ખોડલના પચાસ હજાર મંત્ર જાપ કરવામાં આવી રહ્યા છે.  બહોળી સંખ્યામાં મહીલાઓ જોડાઇ માં ખોડલની ઉપાસના કરે છે. નવરાત્રીના નવ દિવસ ચાલનાર આ ભકિતમય કાર્યક્રમો માટે મહિલા સમિતિ જહેમત ઉઠાવી રહી છે.

(2:28 pm IST)