Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરેન્દ્રનગરમાં બંગાળી કારીગર ૫૦ લાખનું સોનુ ઓળવી ગયો

વઢવાણ, તા. ૯ :. દૂધરેજ ફાટક બહાર રહેતા સોનાના વેપારીએ બંગાળી કારીગરને સોના-ચાંદીના ઘરેણા બનાવવાની કામગીરી સોંપી હતી. જેમાં દુકાનની તિજોરીના લોકરમાં રાખેલ રૂ. ૫૦ લાખનું ૧૭૦૦ ગ્રામ સોનુ જાણ બહાર અંગત ઉપયોગમાં વાપરી અથવા દાગીના બનાવી વેચી દીધુ હતું. આથી આ બનાવ અંગે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી છે.

આ ફરીયાદમાં સુરેન્દ્રનગર હરસિદ્ધ પાર્કમાં રહેતા અને મૂળ બંગાળના યાસીનભાઈ સેફુદીન મલીકે રાકેશભાઈ યુસુફભાઈ મલીક સામે પોલીસ ફરીયાદ નોંધાવી જણાવ્યુ કે રાકેશભાઈ મલીક પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં રહે છે. તેઓએ યાસીનભાઈની દુકાનમાં તિજોરીમાં રાખેલુ ૧૭૦૦ ગ્રામ સોનુ વિશ્વાસુ નોકર રાકેશભાઈને આપ્યુ હતું, પરંતુ રાકેશભાઈએ વિશ્વાસઘાત કરી યાસીનભાઈની જાણ બહાર દાગીના બનાવી વેંચી દઈ અથવા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યુ છે. આ બનાવની વધુ તપાસ સુરેન્દ્રનગર એ-ડિવીઝનના એમ.ટી. વાળંદ ચલાવી રહ્યા છે.

(11:47 am IST)