Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભારતીય કન્ટેનર નિગમ દ્વારા મોરબી, સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર-દક્ષિણ ભારત કોસ્ટલ સેવા- ૪ હજાર માલગાડીથી ૩૦હજાર કન્ટેનરોની હેરફેર

ભુજ, તા.૯: ભારતીય કન્ટેનર નિગમ લીમીટેડ (કોનકોર) દ્વારા ઉત્તર ભારતને દક્ષિણ ભારત થી જોડતી દીનદયાળ (કંડલા) પોર્ટથી દરિયાઈ (કોસ્ટલ) સેવાઓ ગત નાણાકીય વર્ષે જાન્યુઆરીથી શરુ કરેલ જે કોચીન, મેંગલોર અને તુતીકોરીન પોર્ટ સાથે જોડી દક્ષિણ ભારતના દરેક ખૂણાને જોડે છે. કોનકોર દ્વારા આ સેવા માટે બે કન્ટેનર જહાજ કાર્યરત કરેલ છે જેમાં ઘઉં, ચોખા, સિરામિક ટાઈલ્સ, મીઠું, વિગેરે, કન્ટેનરો માં રેલ કે રોડ દ્વારા લાવી કંડલા પોર્ટથી લોડ કરવામાં આવે છે. કોસ્ટલ સેવાથી નિગમ પૂર્ણ રૂપથી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સેવા આપનારી એક સંસ્થા બની ગઈ છે જેના થી માલ નું ડોર-ટુ-ડોર કન્ટેનરો નું સલામત ટ્રાન્સપોર્ટ થઇ શકે છે. કોનકોર દ્વારા ગત વર્ષે જુલાઈમાં સુખપુર રેલ કન્ટેનર ટર્મિનલ થી સૌરાષ્ટ્ર એરિયા થી માલ ની કન્ટેનર ટ્રેન સેવા શરુ કરી હતી જેમાં પણ ખુબ જ વૃદ્ઘિ થયેલ છે અને દક્ષિણ અને પૂર્વ ભારત ને જોડવાનું કામ સફળતા પૂર્વક કરે છે. ૨૦૧૮-૧૯ માં ગુજરાત થી ૨૯૮૫૬ કન્ટેનરો ની બુકિંગ અને રેલ/રોડ દ્વારા દક્ષિણ અને પૂર્વ ભારત માં ટ્રાન્સપોર્ટ કરી એક રેકોર્ડ સ્થાપ્યો છે.

આ સિવાય, કોનકોર દ્વારા ઉત્તર/પશ્ચિમ ભારતથી દક્ષિણ ભારતને જોડ્યા પછી, દક્ષિણ-પૂર્વ ભારતને જોડતી કોસ્ટલ સેવા (તૂટીકોરીન-કટુપલ્લી-પારાદીપ-હલ્દીયા પોર્ટ) ટૂંકમાં જ શરુ કરવામાં આવનાર છે. આવી રીતે કોનકોર દ્વારા રેલ સિવાય દરિયાઈ માર્ગે વિવિધ સેવાઓ શરુ કરાતાં ગુજરાત અને દેશ ભરના ઉદ્યોગો ને આર્થિક ફાયદા સાથે નિયમિત સસ્તી ટ્રાન્સપોર્ટ સેવા નો લાભ મળતી રહેશે. તદુપરાંત, કોનકોર દ્વારા ૧૦૦૦૦ થી પણ વધારે નવા કન્ટેનરો પણ ખરીદવામાં આવેલ છે. જેથી માલ ભરવા માટે કન્ટેનરોની અછત ના પડે અને કોઈ પણ રુકાવટ વગર દેશના ખૂણે ખૂણે માલ પહોંચાડી શકાશે. એક્ષ્પોર્ટસ-ઈમ્પોર્ટ માટે મુન્દ્રા પોર્ટ અને પીપાવાવ પોર્ટથી રેલ સેવામાં પણ કોનકોર દ્વારા અત્યાર સુધી બધાં જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગત વર્ષે કોનકોર દ્વારા ૩૯૪૮ ટ્રેન ચલાવી છે જેમાં કુલ ૧૯૬૬ ટ્રેન ડબલ ડેક્કર છે. મુન્દ્રાથી ૯૯૫ ટ્રેન અને પીપાવાવથી ૯૭૧ ડબલ ડેક્કર ટ્રેન ચલાવવામાં આવી હતી જે ૨૦૧૭-૧૮ની સરખામણીમાં ૩૩% અને ૫૯% વધારે છે. ગત ઓગસ્ટમાં મુન્દ્રા પોર્ટ થી ૧૨૩ ડબલ ડેક્કર ટ્રેન ચલાવી એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. વિરમગામ પાસે આવેલ જખવાડા રેલ ટર્મિનલ થી પણ ૧૯૨ ડબલ ડેક્કર ટ્રેન ચલાવી હતી જેથી પોર્ટ પરથી કન્ટેનરો ને આયાતકારો સુધી જલ્દી પહોંચાડવાનું શકય બન્યું છે. કોનકોર રેલ મંત્રાલય હેઠળનું એક નવરત્ન સાહસ છે જે ઉદ્યોગોના કાર્ગોને કન્ટેનર દ્વારા રેલ/રોડ/કોસ્ટલ મોડ થી ૧૯૮૮ થી ટ્રાન્સપોર્ટ અને હેન્ડલિંગ ની સેવાઓ આપે છે.

(11:46 am IST)