Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

લાયન્સ કલબ્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨ - જેનું બે દિ'નું અધિવેશન જામનગરમાં મળ્યું: વિક્રમજનક ડેલીગેટોની હાજરી

 મોરબી, તા. ૯ :. જામનગર શહેરમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સમાજના વિવિધ સ્તરમાં સમાજના છેવાડાના માનવીની સેવા કરતી વિશ્વની એક માત્ર મોટામાં મોટી સંસ્થા કે યુનોમાં પણ સભ્યતા પ્રાપ્ત થઈ છે તેવી લાયન્સ કલબ ઈન્ટરનેશનલની વિવિધ શહેરોની ૮૫ જેટલી કલબોના લાયન્સ, લાયનેસ અને લિયો સદસ્યોનું વાર્ષિક અધિવેશન મળી ગયું. આ અધિવેશનમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ શહેરોમાં ૮૨૦ જેટલા પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા.

જામનગર સ્થિત કુંવરબાઈ ધર્મશાળામાં આ અધિવેશન યોજાઈ ગયું. આ મહાઅધિવેશનની અંદર દિલ્હીથી ઓસવાલ ગ્રુપના ચેરમેન અરૂણા ઓસવાલ કે જેવો પૂર્વ ઈન્ટરનેશનલ ડાયરેકટર છે. તેઓ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ગુજરાતના લાયન્સ ફેમેલીના ચેરમેન પરીમલ પટેલ બરોડાથી, બીનાબેન આચાર્ય મેયરશ્રી રાજકોટ, અદાણી પોર્ટના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી વિશ્વાસ, અદાણી ટાઉનશીપના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી નિવાસ, બરોડાના ડિસ્ટ્રીકટ ગવર્નર મહેશભાઈ શાહ, સુરતના ગવર્નર નિપમ શેઠ, અશોક દેસાઈ પ્રથમ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર સુરત, બ્રિગેડિયર નિતિશ બિસ્ત, શ્રી રઘુરામ કમાન્ડીક ઓફિસર, કર્નલ આર.કે. ભતલા અને આર.કે. શાહ હરિયા કોલેજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ અધિવેશનમાં એશિયાના સુપ્રસિદ્ધ ઈ.એન.ટી. સર્જન ડો. વિનોદ ખંધાર અમદાવાદથી ઉપસ્થિત રહી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે પછી કોઈ બાળક બહેરૂ-મુંગુ ન થાય તે માટે નવજાત શીશુઓનું મેડીકલ ચેકઅપ કરવાની જવાબદારી સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ પરીવાર - મિત્રોને સમજાવી અને બહેરાશ દૂર કરવાના આ મહાયજ્ઞની શરૂઆત કરી જેમાં નવજાત શીશુને સાંભળવાની તકલીફ છે કે નહીં ? તે ચકાસવા માટે માત્ર ૧૫ થી ૨૦ સેકન્ડનો ટેસ્ટ કરવામાં આવે છે. તેના મશીનનું નામ 'ઓટો એપોસ્ટીક એમીશન' છે. આ એક મશીનની અંદાજિત કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ છે આવા ૧૦ મશીનના રૂ. ૩,૦૦,૦૦૦ના અનુદાનની જાહેરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન મિત્રો દ્વારા કરવામાં આવી હતી.

મોરબીના રહીશ ચંદ્રકાંત દફતરીએ ૧ જુલાઈ ૨૦૧૮થી લાયન્સ કલબ ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જેનું સુકાન ગવર્નર તરીકે સંભાળેલ ત્યારથી આજ સુધી તેમના વર્ષમાં વિવિધ સેવાની સરવાણીઓ હાથ ધરવામાં આવી જેમાં મુખ્યત્વે શિક્ષકોની ટ્રેનિંગના વર્કશોપ ૨૦ જેટલા કરી અને ભારતમાં પ્રથમ નંબર મેળવેલ છે. તેવી જ રીતે ૧૧ થી ૧૩ વર્ષના બાળકો માટે પીસ પોસ્ટર ચિત્ર હરીફાઈની કીટ ૫૦તી વધુ મંગાવી અને ભારતમાં પ્રથમ નંબર મેળવેલ છે. ડાયાબીટીસ ચેકઅપના કેમ્પોનું આયોજન કરી અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે કાણી આંખવાળી ૨૦૦થી વધારે વ્યકિતઓને કૃત્રિમ આંખ બેસાડી આપી અને સુંદર કાર્ય થયેલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની મોટાભાગની કલબોએ સતત ૮ દિવસ સુધી જુદા જુદા સેવાના કાર્યો કરેલ. જેમાં મુખ્યત્વે ચકલીઓના માળાનું વિતરણ કરી અને સર્વિસ વીકની ઉજવણી કરેલ હતી. સૌથી વધુ મહત્વની કામગીરીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની વિધવા બહેનોના પરિવારના અંદાજે ૧૨૦૦૦ લોકોને દર મહિનાની ૨૦ તારીખે અનાજનું દાન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષ દરમિયાન ૬ વર્ષ સુધીના ૭૦૦થી વધુ બહેરા-મુંગા બાળકોને બોલતા સાંભળતા કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. જેનો અંદાજિત ખર્ચ રૂ. ૧૦૦ કરોડ થવા જઈ રહ્યો છે. તેવી જ રીતે કીડની ડાયાલીસીસ માટે ૫ કેન્દ્રો દ્વારા હજારો લોકોને કીડની ડાયાલીસીસમાં મદદરૂપ થવાનું ભગીરથ કાર્ય અંદાજે રૂ. ૪૦ કરોડ સુધીનું થયું છે.

લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન તરફથી વીરનગર આંખની હોસ્પીટલ માટે ૨.૫૦ કરોડ રૂપિયાની મંજુરીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.

આવા અનેક સેવાકીય કાર્યો વિવિધ કલબો દ્વારા કરવામાં આવેલ છે. તેની ઝલક આ અધિવેશનમાં દરેક કલબના પ્રમુખશ્રીઓએ રજુ કરી હતી. આ અધિવેશનમાં ૫ કલબો દ્વારા સેવાના સ્ટોલ રાખવામાં આવેલ હતા. જેના દ્વારા દરેક સ્ટોલને રૂ. ૩૦,૦૦૦ હજાર ડોનેશન આપવામાં આવેલ હતું.

આ અધિવેશનમાં વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગવર્નર તરીકે રાજકોટના દિવ્યેશભાઈ સાકરિયા ૯૭ ટકા મત મેળવી ચૂંટાયેલા જાહેર થયા હતા.

ગાંધીધામના ધિરેનભાઈ મહેતા ફર્સ્ટ વાઈસ ગવર્નર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા તેમને ૯૭ ટકા મત મળવા ચૂંટાયેલા જાહેર થયા હતા.

સેકન્ડ વાઈસ ગવર્નરના પદ ઉપર ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી હતી જેમાં રાજકોટ અને જૂનાગઢના ઉમેદવારોને જરૂરી મત નહીં મળતા અમરેલીના વસંત મોવાલિયા ૧૨૮ મત મેળવી અને ચૂંટાયેલા જાહેર થયા હતા.  આમ સૌરાષ્ટ્ર અને કચ્છના ઈતિહાસમાં બે દિવસનું વાર્ષિક અધિવેશન રેકોર્ડબ્રેક ડેલીગેટની હાજરીમાં સંપન્ન થયું હતું. લાયન્સ કલબ ઓફ જામનગરના પરિવારે મહેનત કરી હતી.

(11:45 am IST)