Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કાલે નરેન્દ્રભાઇની જૂનાગઢમાં જાહેરસભાઃ ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે

૮ એસપી, ૧૪ ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૧૨૦ પીએસઆઇ સહિત ૧૩૦૦ જવાનો ખડેપગે રહેશેઃ એસઆરપીની એક કંપની, ડોગ સ્કવોડ-બોમ્બ ડિસ્પોઝલ ટુકડી પણ તેૈનાત...: વિજયભાઇ રૂપાણી તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપનાં ઉમેદવારો ઉમટશેઃ એક લાખની મેદની એકત્ર થવાની ધારણા

જૂનાગઢઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જૂનાગઢમાં કાલે જાહેરસભા યોજાનાર છે. જેની તડામાર તૈયારીઓ તથા સભા સ્થળ નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા.૯: આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ આવી રહ્યા છે અને તેમની ચૂંટણીસભા રાખવામાં આવી છે. જેને લઇ પાર્ટી તેમજ પોલીસ સહિતનાં તંત્ર-વિભાગોએ વિવિધ વ્યવસ્થાની ગોઠવણ હાથ ધરી છે.

શ્રી મોદી ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા હોય આથી જૂનાગઢ ખાતેની ચૂંટણીસભા દરમ્યાન શ્રી મોદીની લોખંડી સુરક્ષા માટે આઠ સહિતનો વિશાળ પોલીસ કાફલાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીનાં જ દિવસો છે. ગુજરાતમાં ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાની ભાજપ પાર્ટીનાં ઉમેદવારોનાં વિજય માટે પ્રચાર-પ્રસાર માટે રાત-દિવસ એક કર્યા છે.

વડાપ્રધાન શ્રી મોદી હાલ લોકસભા ચૂંટણીને લઇ વિવિધ રાજ્યોમાં જાહેરસભા સંંબોધી રહ્યા છે ત્યારે તેઓ આવતકાલે તા. ૧૦નાં રોજ ગુજરાતનાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જેનો પ્રારંભ તેઓ જૂનાગઢ ખાતેથી કરશે.

કાલે સવારે ૧૦.૩૦ કલાકે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી મોદીની ચૂંટણી સભા યોજાઇ છે. અહિં તેઓ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોનાં મતદારોને સંબોધશે. વડાપ્રધાનની ચૂંટણી સભામાં એક લાખની મેદની એકઠી થવાની સંભાવના છે. જે માટે પાર્ટીના આગેવાનો, કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

ભાજપનાં લોકસભાનાં ઉમેદવારોનાં સમર્થનમાં શ્રી નરેન્દ્ર મોદીની યોજાનાર ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનાં પાર્ટીના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી કેશોદથી જૂનાગઢ આવશે અને સભા બાદ તેઓ જૂનાગઢ ખાતે ટૂંકુ રોકાણ કરી જૂનાગઢ-પોરબંદર સંસદીય બેઠકનાં ભાજપનાં આગેવાનો સાથે બેઠક કરનાર હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીનાં ઓડિટોરિયમ પાસેના વિરાટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ચૂંટણી સભા માટે વડાપ્રધાન સવારે ૧૦ કલાકે રાજકોટ ખાતે વિમાન માર્ગે આવશે. અને બાદમાં હેલિકોપ્ટર મારફતે સીધા જ ૧૦.૩૦ કલાકે જૂનાગઢ ખાતે આવી પહોંચશે. અને અહિં શ્રી મોદીએ ચૂંટણી સભા માટે ૭૦ મીનીટ ફાળવી છે. સભા પૂર્ણ કરી ૧૧.૪૦ મીનીટે શ્રી મોદી જૂનાગઢ ખાતેથી રવાના થશે.

ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની માફક આ વખતે પણ ગુજરાતમાં લોકસભાની તમામે તમામ ૨૬ બેઠકો પર ભાજપનાં ઉમેદવારોનાં વિજયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાને લઇને તેમની ફુલપ્રુફ સુરક્ષા, ટ્રાફિક નિયમન ઉપરાંત સભા સ્થળે સલામતિ વગેરે માટે આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

એસ.પી. શ્રી સૌરભ સિંઘે અકિલા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે, તેમનાં ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, પોરબંદર સહિત ૮ જિલ્લાના એસ.પી. વડાપ્રધાનની સુરક્ષા માટે ખડેપગે રહેશે.

આ ઉપરાંત ૧૪ ડીવાયએસપી, ૧૦ પી.આઇ., ૧૨૦ પી.આઇ. સહિત ૧૩૦૦ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.

એસ.પી. શ્રી સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે, બંદોબસ્ત માટે એસઆરપીની એક કંપનીનાં જવાનોની પણ મદદ લેવામાં આવી છે. અને બંદોબસ્ત માટે તૈનાત સ્ટાફે પોઝીશન લઇ લીધી છે.

સભા સ્થળે વ્હેલી સવારથી ખડેપગે એસ.પી. સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને સુરક્ષા અને તેમની ચૂંટણી સભા દરમ્યાન તમામ વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા વગેરે જળવાઇ રહે તે માટે ફુલપ્રુફ ગોઠવણ કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી મોદી જૂનાગઢ આવતા હોય આથી કલેકટર ડો. સૌરભ પારધી સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ પણ તમામ વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી રહ્યા છે.

વડાપ્રધાનશ્રી મોદીની ચૂંટણી સભામાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકોનાં ભાજપનાં ઉમેદવારો, તેમજ તેમનાં સમર્થકો પણ હાજરી આપશે.

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો અંકે કરવા માટે આવતીકાલે વડાપ્રધાનશ્રી મોદી ચૂંટણી સભા યોજી નગારે ઘા કરનાર હોય સોરઠ- સૌરાષ્ટ્રમાં રાજકીય ઉતેજના પ્રવર્તે છે.આગામી દિવસોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલગાંધીની સભા પણ યોજાવાની હોય ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહેશે.

(11:30 am IST)