Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો શબ્દ જામનગર કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ ગણાવતા વિવાદ

દ્વારકા :ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સીનિયર નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે ચૂંટણીમાં ચોકીદારને લઈને રાજકારણ ગરમાયું છે. ચોકીદાર શબ્દ જાણે લોકસભા 2019ની ચૂંટણીની ટેગલાઈન બની ગઈ હોય, તેમ બંને પક્ષો દ્વારા પોતાના ભાષણોમાં તેનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે પીએમ મોદી પર પ્રહાર કરવા જતાં જામનગર કોંગ્રસના ઉમેદવાર મૂળુ કંડોરિયા ભાન ભૂલ્યા હતા, અને ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો ગણાવ્યો હતો.

દ્વારકામાં જામનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મૂળ કંડોરિયાની ચૂંટણી મિટિંગ દરમ્યાન જીભ લપસી હતી. પોતાના સંબોધનમાં તેમણે ચોકીદાર શબ્દને જ નીચ ગણાવ્યો હતો. તેમણે વડાપ્રધાનના ચોકીદાર શબ્દ પર ગુસ્સો ઉતારીને ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો કહ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં લોકશાહી પર તરાપ મારવાની પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે, તેવું પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાની મયુર ટાઉનશીપ ખાતે યોજાયેલ મૂળુભાઈ કંડોરીયાની ચૂંટણી મીટિંગમાં ગણ્યાગાંઠ્યા મતદારો જોવા મળ્યા હતા.

(9:10 am IST)