Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પોરબંદરમાં પ્યુનના બેન્ક ખાતામાંથી અજાણ્યા શખ્સે ઉપાડી લીધેલા ૧૩ હજાર પોલીસે પરત અપાવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ :. નવયુગ વિદ્યાલયમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હીતેશભાઈ દિલસુખરાયના બેન્ક ખાતામાંથી અજાણ્યા શખ્સે ૧૩ હજાર ઉપાડી લીધેલ હોય આ અંગે પોલીસને જાણ કરતા તેના ખાતાની ઓછી થયેલ ૧૩ હજારની પુરેપુરી રકમ પોલીસે પરત મેળવી આપી હતી.

જૂનાગઢ રેન્જ, આઈ.જી. શ્રી મહેન્દ્રસિંહ પવાર તથા પોલીસ અધિક્ષકશ્રી રવિ મોહન સૈની તથા ઈન્ચા. પોરબંદર, પોલીસ અધિક્ષક શ્રી જે.સી. કોઠીયા દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના ઝડપી નિકાલ માટે સૂચના આપી હતી. આ બાબતે ગત તા. ૫ના રોજ નવો કુંભારવાડો શેરી નં. ૧૬માં રહેતા તેમજ નવયુગ વિદ્યાલયમાં પ્યુનની નોકરી કરતા હિતેશભાઈ દિલસુખભાઈ કનૈયાને તેમના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી બેન્કના કર્મચારીની ઓળખ તથા એકાઉન્ટની ડીટેઈલ આપી ઓ.ટી.પી. આપવા જણાવતા હીતેશભાઈએ તેનો ફોન કટ કરતા અજાણ્યા શખ્સે હિતેશભાઈને વારંવાર ફોન કરી હીતેશભાઈનો ફોન હેંગ કરી ઓ.ટી.પી. મેળવી રૂ. ૧૩૦૦૦ જેટલી રકમની ઉઠાંતરી કરી હોવાનું જણાતા હીતેશભાઈએ તાત્કાલીક કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ઈન્ચા. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, શહેર-વિભાગ જે.સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, એચ.એલ. આહીર તથા પો. હેડ કોન્સ., જી.આર. ભરડા તથા પો. કોન્સ., વિપુલ રાયસિંહભાઈ દ્વારા તાત્કાલીક બેન્કમાં ફ્રોડ બાબતેની જાણ કરી હીતેશભાઈનું એકાઉન્ટ ફ્રીઝ કરાવી સતત બેન્ક સાથે કોન્ટેકટમાં રહી હીતેશભાઈના એકાઉન્ટમાં પુરેપુરી રકમ રૂ. ૧૩૦૦૦ પરત મેળવી આપેલ છે. જેથી હીતેશભાઈએ પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો.  આ પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આપના મોબાઈલમાં કોઈપણ અજાણ્યા શખ્સો દ્વારા ફોન કરી આપના ખાતાની ડીટેઈલ્સ, ડેબીટકાર્ડ તથા ક્રેડીટ કાર્ડના નંબર સીવીવી નંબર અથવા તો આપના ફોન પર આવતો ઓટીપી માંગે તો આપવા નહી અને આવા ફ્રોડ કોલથી સતર્કતા દાખવવી અને જો કોઈ વ્યકિત આવા ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો.

(1:12 pm IST)