Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઝવેરચંદ મેઘાણીની ૭૪મી પુણ્‍યતિથી : બોટાદ-રાણપુરમાં ભાવાંજલી

બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્‍તા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતી

રાજકોટ,તા. ૯: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૪મી પુણ્‍યતિથિએ બોટાદ અને રાણપુર ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સરકારી હાઈસ્‍કૂલ પાસે સ્‍થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ થઈ હતી. પોલીસ ઈન્‍સપેકટર એચ. આર. ગોસ્‍વામી, રાણપુર એ.પી.એમ.સી.ના પૂર્વ-ચેરમેન નરેન્‍દ્રભાઈ દવે, વિનુભાઈ સોની, સામતભાઈ જેબલીયા, સતુભાઈ ધાધલ, રમેશભાઈ બદ્રેશિયા (મોટી વાવડી) ઉપસ્‍થિત રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્‍થિત સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ દલપતભાઈ શેઠ સ્‍થાપિત તે સમયના ફૂલછાબ પ્રેસ અને હાલની એ.ડી. શેઠ હોસ્‍પીટલમાં આવેલ ઐતિહાસિક લીંબડા પાસે ભાવાંજલિ અર્પણ થઈ હતી. એપ્રિલ ૧૯૨૫માં રાણપુર સુધરાઈ દ્વારા મહાત્‍મા ગાંધીનું સન્‍માન કરીને એમને માનપત્ર એનાયત કરાયું હતું. રાણપુર ખાતેના પોતાના રોકાણ દરમિયાન ગાંધીજીએ અહિ રાતવાસો કરેલો. રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધારાબેન પટેલ, બરવાળા પ્રાંત અધિકારી સંકેતભાઈ પટેલ, રાણપુર મામલતદાર જૈનિલભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણીનું સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં અનન્‍ય અને મહામૂલું પ્રદાન ક્‍યારેય વિસરાશે નહિ તેવી લોકલાગણી રહી હતી.

 

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:33 am IST)