Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પાટડીના ફતેપુર ગામની સીમમાં એક સાથે ૧૦૦ થી વધુ ઘેટાંના મોત

માલધારીઓમાં શોકની લાગણી : એરંડાના ઉભા પાકમાં ચરી રહેલા ૧૩૦ જેટલા ઘેટાંને આફરો ચડતા ટપોટપ ઢળી પડ્યા : વેટરનરી ડોકટરની ટીમે ૩૦ જેટલા ઘેટાને બચાવી લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૯: સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર ઝેરી વસ્તુઓ ખાવાથી પશુ તેમજ પક્ષીઓના મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડી તાલુકાના ફતેપુર ગામમાં ઝેરી વસ્તુ ખાવાથી અંદાજે ૧૦૦થી વધુ ઘેટાના મોત નીપજતાં સમગ્ર ગામના માલધારી સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને આ અંગે પશુ ડોકટરની ટીમને જાણ કરવામાં આવતાં તંત્રના અધિકારીઓ સહિતના ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં.

મળતી માહિતી મુજબ ફતેપુર ગામમાં મુખ્યત્વે માલધારીઓ રહે છે અને પશુ પાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે સાંજે સીમમાં ઘેટા ચરવા ગયા હતાં અને એરંડાના ઉભા પાકમાં જઈ ચર્યા હતાં અને એરંડાનો પાક ખાધા બાદ અંદાજે ૧૫૦ જેટલા ઘેટાને મેણો (આફરો) ચડતાં બધા ટપોટપ હેઠા પડવા લાગ્યા હતાં જેને જોતા જ માલધારીઓ હેબતાઈ ગયા હતાં અને આ અંગે ગામના આગેવાન સુરાભાઈ રબારીને જાણ કરતાં તેઓએ પાટડી મામલતદાર, ટીડીઓ, પશુ ડોકટરને જાણ કરતાં ધ્રાંગધ્રાથી વેટરનરી ડોકટરની ટીમ ઘટના સ્થળે આવી તાત્કાલીક ઘેટાની સારવાર શરૂ કરી હતી.

જેમાં અંદાજે ૩૦ જેટલાં ઘેટાને બચાવી લીધા હતાં જયારે અંદાજે ૧૦૦થી વધુ ઘેટાના મોત નીપજયાં હતાં જેઓનું પંચ રોજકામ કરી પીએમ કરી દાટી દેવામાં આવ્યાં હતાં. આ તકે નરેશભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી અને લાગતા-વળગતા તંત્રને જાણ કરી હતી આમ નાના એવા ફતેપુર ગામમાં અંદાજે ૧૦૦થી વધુ ઘેટાના મોત થવાથી માલધારી સમાજને મોટું નુકશાન થયું હતું.

બીજી તરફ પ્રાથમિક તપાસમાં ઘેટાઓ એ એરંડાના પાન ખાધા હોવાના કારણે આફરો ચડયો હોવાનું પ્રાથમિક તારણ માં બતાવવામાં આવી રહ્યું છે ૧૦૦ ઘેટા હોજરી ફાટી જવાના કારણે મોતને ભેટયા છે અન્યોની તબિયત પણ હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

(11:30 am IST)