Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કાશ્મીર જેવા પડકારરૂપ પ્રદેશમાં વેરાવળના ડેપ્યુટી કલેકટર સરયુબેન ઝણકાટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવ્યા

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા., ૮: આઠમી માર્ચ એટલે સમગ્ર વિશ્વ મહિલા દિન જેઓએ ભણતર-આવડત-આત્મવિશ્વાસ અને 'હમ હોંગે કામયાબ'... સુત્રને પોતાના અખુટ પરીશ્રમથી સાર્થક કર્યુ છે એવા ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેકટર સરયુબેન ઝણકાટ.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે વિશ્વ મહિલા દિન પુર્વ સંધ્યાએ તેઓને મળતા તેમણે કરેલી વાતો લાખો દિકરીઓ માટે પ્રેરણારૂપ બને છે.

જુનાગઢ જીલ્લાના ચોરવાડના તેઓ પ્રાથમીક શિક્ષણથી માધ્યમીક સુધી સદાય અવ્વલ નંબરે પાસ થતા બાસ્કેટ બોલના તેઓ રાષ્ટ્રીય ખેલાડી છે. કરાંટેમાં તેઓએ બ્રાઉન મેડલ મેળવેલ છે. અનેક ચેસની રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળહળતો શાનદાર દેખાવ કરેલ છે.

તેમના પિતાશ્રી હરીસિંહ ઝણકાટ પોલીસ ફોજદાર હતા. તેમને મળતી સલામીઓ અને અરજદારોની ફરીયાદ નિવારવા જોમ-જુસ્સા અને રાષ્ટ્રીય ફરજનો ભાગ સમજી દોડતા જોવાનો આ નાની દીકરીએ સગી આંખે બાળપણમાં જોયુ હતું. ત્યારથી જ આંખમાં સ્વપ્નું આંજયું હતુ કે જીવનમાં માત્ર સામાન્ય મહિલા જ નહીં પરંતુ કંઇક બનવુ  જ જોઇએ તેવી જીદ સાથેનો કઠોર પરીશ્રમ આદર્યો અને કોમપ્યુટર ઇન્જીનીયરીંગ પાસ કર્યુ. યુપીએસસી અભ્યાસ કર્યો અને અમેરીકામાં અઢી વરસ ગુલ જેવી પ્રતિષ્ઠીત સંસ્થામાં કામ કરી ભારતનો ડંકો વગાડયો.

તેઓો વર્ષ ર૦૧૧-૧૮ જમ્મુ-કાશ્મીરમાં ૭ વરસથી પણ વધુ કાશ્મીરી યુવતીઓને વિનામુલ્યે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી કોમ્પ્યુટર શીખાડયું. તેઓના પતિ મીલટરી અધિકારી હોવાથી મીલટરી વસાહતમાં સ્ટાફ બાળકોને વિનામુલ્યે ગણીત-સાયન્સ શીખવ્યા. જમ્મુ-કાશ્મીરમાં ભારે પ્રચંડ પુર હોનારત વખતે તેઓ પુરી ધગશ-નાગરીક ભાવનાથી ત્યાં પણ તેઓ રેસ્કયુ ઝુંબેશમાં જોડાયા. તેમના પતિને યુનોએ કોંગોમાં ખાસ ફરજ ઉપર મુકયા તેવામાં રેડીયો પર સમાચાર આવ્યા કે કોંગોમાં ભારતીય લશ્કરના બે અધિકારીઓ ગુમ થયા છે. તેઓ આ સાંભળી ચિંતાતુર બન્યા. જો કે છ કલાક પછી ખબર પણ આવ્યા કે તેઓ સલામત છે.

સોમનાથ ખાતે તેમણે વધુ એક સરસ વાત મહિલા દિન અનુસંધાને કરી કે તાજેતરમાં સ્થાનીક સ્વરાજયની વેરાવળ નગરપાલીકા ચુંટણી સમયે તેનો મહિલા સ્ટાફ રાત્રીના બે વાગ્યા સુધી ચુંટણી ફરજ ખડેપગે ફરજ બજાવતા રહેલ અને સ્ટાફના એક બહેનનો નાનો પુત્ર અકસ્માતે પડી જતા તેને પાટા-પીંડી આવેલલ તે બહેનને અમે ઘેર જવા રજા આપી. પરંતુ ઇજાગ્રસ્ત પોતાના વહાલસોયા સંતાનને સારવાર કરાવી અન્ય દેખરેખ વ્યવસ્થા કરાવી એક કલાકમાં ફરજ ઉપર હાજર થયા. આમ વાતસલ્ય અને ફરજમાં ફરજને સર્વોચ્ચ રાષ્ટ્રીય ફરજ ગણી વેરાવળ ડેપ્યુટી કલેકટર ઓફીસના તે મહીલા મામલતદારે પ્રેરક શાબાશી-સલામ કરવા લાયક સેવા બજાવી સરયુબેન હાલ વેરાવળ ડેપ્યુટી કલેકટર છે.

(11:27 am IST)