Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભુજની જેઆઇસી જેલમાંથી નાસેલો બાંગ્લાદેશી કેદી છેક સામખિયાળીથી ઝડપાયો

ભુજમાં વિદેશી કેદીઓને રાખવાની કડક સુરક્ષાવાળી ખાસ જેલમાં અમદાવાદમાંથી ઝડપાયેલ બાંગ્લાદેશી કેદી રખાયો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૯:  પશ્યિમ કચ્છ પોલીસ સામે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પડકાર સર્જાયો હોય તેમ પહેલાં ભુજના પોલીસ સ્ટેશનમાથી અને પછી વિદેશી નાગરિકો માટેની ખાસ જેલ એવા જોઇન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી) માંથી કાયદાના રક્ષકો વચ્ચેથી કેદી ભાગી છૂટવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો સજર્યા છે.

જોકે, બન્ને કિસ્સામાં ભાગેડુ કેદીઓ પકડાઈ જતાં પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજયના ગૃહવિભાગની લાજ રહી ગઈ છે. ભુજ જેઆઈસી માં કેદ મુરસલીમ મૂર્સિયા શેખ નામનો બાંગ્લાદેશી કેદી સવારે પોલીસના સખ્ત પહેરા વચ્ચે નાસી છૂટ્યો હતો. વિદેશી કેદી નાસી છૂટતા હરકતમાં આવેલી પોલીસ દોડતી થઇ હતી અને તાત્કાલિક નાકાબંધી સાથે વાહન ચેકીંગ હાથ ધરતાં ભાગેડુ કેદી સામખિયાળી પાસે પકડાઈ ગયો હતો.

સવારથી સાંજ દરમ્યાન પોલીસની દોડધામ દરમ્યાન આ બાંગ્લાદેશી કેદી ભુજથી ૮૦ કિલોમીટર દૂર સામખિયાળી કેમ પહોંચ્યો? તે સવાલ સાથે કચ્છ બહાર ભાગતા અટકી ગયો એના કારણે પોલીસને હાશકારો થયો છે. ૨૯ વર્ષનો મુરસલીમ અમદાવાદમાં પોલીસના હાથે ચોરીના ગુનામાં ઝડપાયો હતો. તેને ભુજ જેઆઇસીમા રખાયો હતો.

જોકે, ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી નાસેલો સચિન ઠકકર લોકઅપની સફાઈ દરમ્યાન અને ચુસ્ત પહેરાવાળી જેલ જેઆઈસી માંથી નાસેલો કેદી મચ્છર માટે ફોગિંગ થઈ રહ્યું હતું ત્યારે પોલીસની આંખમાં ધૂળ નાખી ભાગી ગયા હોવાનું કારણ પોલીસે જણાવ્યું છે.

(10:20 am IST)