Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કોલગેસ પ્રતિબંધની અસર, મોરબીમાં ૫૦૦થી વધુ ફેકટરી બંધ થવાની શકયતા

એનજીટીના ચુકાદામાં તાત્કાલિક અસરથી કોલગેસ બંધ કરવા સ્પષ્ટ આદેશઃ ઉદ્યોગ પર મોટો ખતરો

મોરબી, તા.૯: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે જે ચુકાદાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો દ્યેરાયા છે અને ૧૦૦૦ જેટલી ફેકટરીઓમાંથી અડધોઅડધ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શનિવારથી બંધ થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે.

 ઓદ્યોગિક નગરી મોરબી આજે તેના સિરામિક ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતી છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ પર હાલ દુખના ડુંગર ખડકાયા છે કારણકે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સિરામિક યુનિટમાં વપરાતા કોલસા આધારિત કોલગેસ મામલે ચાલતી સુનાવણીમાં એનજીટીએ કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપી દીધો છે અગાઉ મંજુરી સાથે નિયમોના ચુસ્ત પાલન કરીને કોલગેસને મંજુરી મળતી હતી અને આ કેસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાંથી સિરામિક ઉદ્યોગને રાહત મળશે તેવી આશા હતી જેના પર પાણી ફરી વળ્યું છે અને એનજીટીએ તમામ પ્રકારના કોલગેસ વપરાશ પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપ્યો છે જેથી હાલ મોરબીમાં ૧૦૦૦ જેટલા સિરામિક એકમો પૈકીના અંદાજે ૫૫૦ સિરામિક એકમ કોલગેસનો ફયુલ તરીકે ઉપયોગ કરતા હોય અને તાકીદની અસરથી ૫૦૦ ફેકટરીઓને બંધ કરવી પડે તેવી નોબત આવી છે એનજીટીએ આપેલા ચુકાદાની નકલ મોરબી સિરામિક એસોને મળી ચુકી છે જેમાં તાકીદની અસરથી કોલગેસ વપરાશ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોય જેથી શનિવારે સવારથી જ ૫૦૦ થી વધુ સિરામિક યુનિટો બંધ પડે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઈ રહી છે.

મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ચુકાદાની નકલ મોરબી સિરામિક એસોને મળી ચુકી છે જેમાં કોલગેસનો વપરાશ તુરંત બંધ કરવા સ્પષ્ટ આદેશ છે જેથી હાલ તુરંત ફેકટરીઓ બંધ થાય તે બનવા જોગ છે તો આ મામલે સુપ્રીમ કોર્ટમાં લડત આપવાનું નક્કી કર્યું છે જોકે હાલ ૫૦૦થી વધુ ફેકટરીઓ બંધ પડે તે નક્કી જ છે.

મોરબી સિરામિક ઉદ્યોગમાં લાખો પરપ્રાંતીય શ્રમિકો, હજારો સ્થાનિકો રોજગારી મેળવી છે તે ઉપરાંત સિરામિક ઉદ્યોગને પગલે ટ્રાન્સપોર્ટ, અન્ય લોકોને પણ રોજગારી મળે છે અને જો શનિવારથી ૫૦૦ થી વધુ ફેકટરી બંધ થાય તો લાખો લોકોની રોજગારી છીનવાઈ જશે અને સૌથી ગંભીર અસર પરપ્રાંતીય શ્રમિકોને થશે.

 મોરબીમાં સિરામિક ફેકટરીમાં કોલગેસ વાપરતા કેટલાક યુનિટોના બેજવાબદાર વલણથી પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તે નિશંક બાબત છે પરંતુ પાડાના વાંકે પખાલીને ડામ મળે તેમ નિયમોનું ચુસ્તતાથી પાલન કરતા યુનિટોને પણ ભોગવવાનો વારો આવ્યો છે તો આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદુષણના પ્રશ્ન સાથે આ પ્રકરણમાં ધંધાની હરીફાઈ પણ હોય અને એશિયાની મોટી ફેકટરીઓ મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો પડે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે ખરેખર જો આ સમગ્ર પ્રકરણમાં ષડ્યંત્ર હોય તો મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા સરકાર આગળ આવે તે જરૂરી છે.(૨૨.૯)

(3:42 pm IST)