Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગી સભ્ય પ્રવીણ કોઠીયાના આપઘાતમાં ઓઈલ મીલર સહિત ૯ વ્યાજખોરોની તલાશ

મૃતક પાસેથી રૂા. ૫.૬૧ કરોડનું વ્યાજ વસુલવા મરવા મજબુર કરેલ

જૂનાગઢ, તા. ૯ :. જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગી સભ્ય પ્રવીણભાઈ કોઠીયાના આપઘાત પ્રકરણમાં પોલીસે ઓઈલ મીલર સહિત ૯ વ્યાંજકવાદીઓની તલાશ હાથ ધરી છે.

મૃતકે રૂા. ૫.૬૧ કરોડ વ્યાજે લીધા હતા. જે વસુલવા વ્યાજખોરોએ પ્રવીણભાઈને મરી જવા મજબુર કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

જૂનાગઢ તાલુકાના વડાલના વતની અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ જાગાભાઈ કોઠીયા-પટેલ (ઉ.વ.૫૭)એ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્ય કરી લીધી હતી.

અગાઉ જિલ્લા પંચાયતમાં સહકાર કૃષિ - પશુપાલન - સિંચાઈના ચેરમેન તરીકે પણ રહી ચુકેલા પ્રવીણભાઈ કોઠીયાને સારવાર મળે તે પહેલા જ તેનુ મૃત્યુ નિપજ્યુ હતું.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ વડાલ દોડી ગઈ હતી અને પટેલ પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસને મરનારની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું જણાયુ હતું.

આથી મોડી સાંજે મૃતકના પુત્ર જીજ્ઞેશ કોઠીયા (ઉ.વ.૩૨)ની ફરીયાદ લઈ તાલુકા પોલીસે પ્રફુલભાઈ વર્ષા ઈન્ડસ્ટ્રીઝવાળા, બલીયાવડના ગભરૂભાઈ ધાધલ તથા તેનો ભાઈ તેમજ પ્રવીણભાઈ બોરીચા (કેશોદ), મેરૂભાઈ નથુ દિવચણીયા - મારૂતિ ઓઈલ મીલ - સાબલપુર, ગોવાભાઈ આહિર - દોલતપરા, અરસીભાઈ આહિર - દોલતપરા, મસરીભાઈ બારૈયા - જૂનાગઢ અને રાજેન્દ્ર ચૌધરી-ધોરાજી (ઈન્સ્યોરન્સવાળા) સહિત ૯ શખ્સો વિરૂદ્ધ કલમ ૩૦૬ તથા ૧૧૪ વગેરે મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

ફરીયાદમાં મરનાર પ્રવીણભાઈ કોઠીયા જમીન લે-વેચનું કામ કરતા હોય જેના માટે ૯ આરોપીઓ પાસેથી અલગ અલગ ગામની જમીનોના દસ્તાવેજ ઉપર રૂા. ૫.૬૧ કરોડ વ્યાજે લીધેલ.

આ નાણા કઢાવવા માટે આરોપીઓ દબાણ કરતા હતા પરંતુ મૃતક વ્યાજ ચુકવી શકતા ન હોય જેથી નાણા કઢાવવા માટે મરનાર પ્રવીણભાઈ કોઠીયાને મરવા મજબુર કરી અને ત્રાસ આપતા હોય જેથી પ્રવીણભાઈ એ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું ફરીયાદમાં જણાવાયુ હતું. તાલુકા પીએસઆઈ બી.એમ. વાઘમશીએ ફરીયાદના પગલે તુરંત જ તપાસ શરૂ કરીને વ્યાંજકવાદીઓની તલાશ હાથ ધરી છે.

 

 

 

(3:27 pm IST)