Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જસદણ મહિલા કોંગ્રેસે સામાજીક ક્ષેત્રે અગ્રેસર મહિલાઓને સન્માનિત કર્યા

જસદણ, તા. ૯: વિશ્વ મહિલા દિન નિમિતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી નિરૂબેન રાઠોડના નેતૃત્વ હેઠળ જસદણ મહિલા કોંગ્રેસ દ્વારા આર્મી - પોલીસ - આરોગ્ય - શિક્ષણ - રમતગમત ક્ષેત્રે અગ્રેસર તેમજ સિનિયર સિટીઝન મહિલાઓને આવકારી પુરસ્કાર અર્પી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા મહિલાઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહી હતી.

પ્રાસંગીક પ્રવચન આપતા નિરૂબેન રાઠોડે મહિલાઓને શિક્ષીત થવા ઉપર ભાર મૂકી ભારતની વિવિધ સમાજની અને વિવિધ ક્ષેત્રે ભારતનુ નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કરનાર ગૌરવશાળી મહિલાઓની સિદ્ઘીઓને યાદ કરી મહિલાઓને પણ વધુ સંગઠીત બની આગળ આવવા આહવાન કર્યુ હતુ જસદણ નગરપાલિકા ના મહિલા સદસ્ય આરતીબેન અંબાણીએ બેટી બચાવો - બેટી પઢાવો વિષય પર વિસ્તૃત પ્રવચન આપી ભૃણ હત્યા નહી કરવા કે નહી કરાવવા સામુહિક શપથ લેવડાવ્યા હતા. શોભનાબેન ડામોરે મહિલાઓ ઉપર થતા અત્યાચાર ને વખોડી મહિલાઓને નિડર બની મહિલાઓ માટે બનેલા કાયદાઓનો ઉપયોગ કરી હિંમતભેર સામનો કરવા શિખ આપી હતી.

મહિલા દિનની ઉજવણીમાં આમંત્રીત મહેમાન અને આરોગ્યલક્ષી સેવામાં અગ્રેસર સેજલબેન સંખારવા ભાવનાબેન ડામોર તેમજ મનિષાબેન સાગઠીયાએ મહિલાઓને સંબંધિત આરોગ્યલક્ષી જાણકારી આપી હતી.

મહિલા દિનની ઉજવણી કર્યા બાદ મહિલા અધિકાર યાત્રા ના કાર્યક્રમમાં મહિલાઓને ૩૩ ટકા ને બદલે ૫૦ ટકા અનામતનો લાભ મળે મહિલાઓને પૂરતુ રક્ષણ મળે અને મોંઘવારીમાં ઘટાડો થાય તે બાબતે આગામી દિવસોમાં સરકારને રજૂઆત કરવા માટે ઉપસ્થિત મહિલાઓએ તૈયારી દર્શાવી હતી.

મહિલા દિનના કાર્યક્રમમાં આમંત્રણને માન આપી જીલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક, જસદણ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા હરેશભાઈ ધાધલ, વીંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ વાસાણી, મેહુલભાઈ સંઘવી રવિભાઈ જીવાણી, તુષારભાઈ છાયાણી, અમરશીભાઈ સોમાણી, ઉદયભાઈ ધાધલ મોહસીનભાઈ મુલતાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:20 pm IST)