Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

શહેરમાં હરતા ફરતા યાત્રિકોની સુરક્ષા માટે મોટર સાયકલની ફાળવણી

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બજેટ બેઠક મળી

દ્વારકા તા.૯: ભારતના વિશ્વ વિખ્યાત હિન્દુ ધર્મના આરાધ્ય દેવ દ્વારકાધિશ યાત્રધામના દેવસ્થાન સમિતિ ટ્રસ્ટની આગામી વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ બેઠકમાં રૂ. ૩,૫૯,૪૦,૦૦૦/-ની વાર્ષિક અંદાજીત આવક સાથે રૂ. ૧,૯૬,૬૬,૦૦૦ના ખર્ચ સાથેનું બજેટ બેઠક દ્વારકા ખાતે દેવસ્થાન સમિતિના બેઠક ખંડમાં મળેલ બજેટ બેઠકમાં સર્વાનૂંમતે મંજુર કરવામાં આવ્યું હતું.

દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને દેવભૂમિ જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ રજુ કરેલ બજેટને ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી, પરેશભાઇ ઝાખરીયા, સુભાષ ભાઇ ભાયાણી, મુરલીભાઇ પૂજારી, મોૈલેષ ભાઇ ઉકાણી, વહીવટદાર દર્શન વિઠ્ઠલાણી, હરીભાઇ આધુનિકએ સર્વાનુંમતે મંજુર કર્યું હતું.

ઉપરાંત બજેટ બેઠકમાં યાત્રિકોની સુરક્ષા અને સુવિધારૂપના મુદ્દાઓની થયેલ ચર્ચા વિચારણા મુજબ મંદિર પરિસરમાં આવેલ વર્ષો જુના ભગવાનના રસોઇઘર (ભોગ ભંડાર)ને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સી.એમ. આર. ફંડ માંથ પુનઃ નિર્માણ કરાવી આપવાની જાહેરાત ધનરાજભાઇ નથવાણીએ કરી હતી.

જયારે મંદિર ટ્રસ્ટ પાસે રહેલ બીજા ઉપયોગી સોના તથા ચાંદીના જથ્થાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પ્રેસીયસ મેટલ ડીપા. મુંબઇ મારફત ગોલ્ડ બોલ્ડ સ્કીમમાં જુદા-જુદા વર્ષની મુદ્દતમાં વ્યાજ દરે મુકવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ દ્વારકા શહેરમાં પેટ્રોલીંગ માટે બે બાઇક દેવસ્થાન સમિતિના માધ્યમથી ખરીદ કરીને શહેરમાં યાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે કરેલી માંગણી પણ સ્વીકારવામાં આવી હતી.

તેમજ મંદિર ટ્રસ્ટની વહીવટી વ્યવસ્થા લક્ષી અને યાત્રિકોની અન્ય સુવિધા સભર મોબાઇલ ચાર્જીંગ એજન્સીની મુદ્દત વધારવા તથા કાનુની સલાહકારની મુદ્દત વધારવા, ચાર્ટડ એકાઉન્ટન્ટની મુદ્દત વધારવા જેવા મુદ્દા બજેટ બેઠકમાં રજુ થયા હતા.

બેઠકનું સંચાલન નાયબ વહીવટદાર હરીશ પટેલ, કમલેશ શાહએ કર્યું હતું.

બજેટ જોગવાઇના ખાસ મુદ્દાઓ દેવસ્થાન સમિતિ દ્વારા જનમાષ્ટમી, હોળી, ફુલડોલ, દિવાળી, નવું વર્ષ જેવા ધાર્મિક તહેવારોમાં મંદિરની લાઇટીંગ રોશની, સુવિધાઓ તથા ભોગ ભંડારની મરામત વિગેરે માટે રૂપિયા પચ્ચીશ લાખની જોગવાઇ રાખવામાં આવી છે.

વર્ષ દરમ્યાન ટ્રસ્ટ હેતુ સબંધના અનિવાર્ય અને આકસ્મીક ખર્ચ માટે રૂપિયા દશ લાખની જોગવાઇ કરાઇ છે.

(12:12 pm IST)