Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જેતપુરમાં આધારકાર્ડના રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદ દુકાનદાર તાળા મારી નાશી છૂટ્યો : દુકાનને સીલ લગાવાયું

રાજકોટ:જેતપુરમાં ખાનગી દુકાનદાર દ્વારા આધાર કાર્ડ કઢાવવા રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદના આધારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ અધિકારીઓ આવે તે પહેલા દુકાનદારે તાળા મારી પોબારા ગણતા દુકાનને સીલ મારવામાં આવ્યું હતું.

  અંગેની વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર ક્રિષ્ના ઇન્ફો સર્વિસ નામની દુકાનમાં દુકાનદાર દ્વારા આધાર કાર્ડ કાઢવા માટે ગ્રાહકો પાસેથી 300 થી 500 રૂપિયા વસુલવામાં હોવાની વારંવાર ઉઠતી ફરિયાદને પગલે મામલતદારે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. પરંતુ દુકાનદારને તપાસનો અંદેશો પહેલા આવી જતાં મામલતદારની ટીમ દુકાન પર પહોંચે તે પહેલા તે દુકાનને તાળા મારી નાસી છૂટ્યો હતો. આથી મામલતદારે બંધ દુકાનનું પંચનામું કરી ગેરકાયદે રીતે આધાર કાર્ડ કાઢતી દુકાનને સીલ કરી હતી.

 સરકારે આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂઆતમાં ખાનગી કંપનીને સોંપ્યા બાદ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આથી ખાનગી સેન્ટરો પર આધાર કાર્ડ કાઢવાની કામગીરી પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં દુકાનદારો આધાર કાર્ડના નામે પૈસા પડાવતા હતા. જેતપુરમાં ક્રિષ્ના ઇન્ફોના દુકાનદાર દ્વારા અનેક ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા છે ત્યારે મામલતદાર દ્વારા દુકાનને સીલ મારી મામલે સઘન તપાસ હાથ ધરી છે.

(11:57 pm IST)