Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભાવનગરના રંઘોળા પાસે ૩૪ના મોત બાદ તંત્ર જાગ્યુઃ સ્ટેટ હાઇ-વેના ૮૯૫ પુલ ઉપર રેલીંગ મૂકાશે

ગાંધીનગરઃ ભાવનગરના રંઘોળા ગામે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 3૪ લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ચર્ચા વ્યાપી હતી અને સરકાર પર અનેક સવાલો ઉભા થયા હતા. જે પુલ પરથી અકસ્માત થયો હતો તે પુલનું છેલ્લા 5 વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતુ.  ત્યારે રાજ્ય સરકારે સ્ટેટ હાઈવેના 895 પુલ પર રેલિંગ બનાવવાની જાહેરાત કરી છે. સ્ટેટ હાઈવે પર ડબલ્યુ આકારની રેલિંગ લગાવાશે. તેમજ બેરિકેડની જગ્યાએ ગેલ્વેનાઈઝ્ડ રેલિંગ લગાવાશે.

રાજ્ય સરકારની આ જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગામડાઓને જોડવા પાકા રસ્તા બનાવાશે. તેમજ સ્ટેટ હાઈવે પર પુલ પર 895 સ્થળોએ રેલિંગ લગાવવામાં આવશે. રોડ સેફ્ટી માટે ખાસ ડિઝાઈનની રેલિંગ લગાવાશે.

નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે કહ્યું કે, અકસ્માત અટકાવવા બજેટમાં સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. તેથી બજેટની જોગવાઈ મુજબ, રાજ્યમાં સ્ટેટ હાઈવેના 750 સ્થળોએ બ્રિજ બનાવવામાં આવશે. ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે 800 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. તાલુકાથી જિલ્લા મથકે જવા માટે ટ્રાફિક વધી રહ્યો છે. જિલ્લા મથકને જોડતા રસ્તાને 10 મીટર પહોળો કરીશું. તેમજ ભારે ટ્રાફિક વાળા રસ્તાઓ પર ફ્લાયઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે.

(8:22 pm IST)