Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પોરબંદરથી હાથલા પાણી બચાવો અંગે જન જાગૃતિ સાથે પદયાત્રા

શનિશ્વર અમાસે સોબર ગ્રુપ દ્વારા ૧૪મી વખત આયોજન

પોરબંદર તા.૯: નજીકના હાથલા ગામને ભગવાન શનિદેવનું જન્મસ્થાન મનાય છે શનેશ્વરી અમાસ તા.૧૭ને શનિવારના હોય શુક્રવાર તા.૧૬ રાત્રે ઉજવણી હોય સોબર ગ્રુપ દ્વારા ૧૪મી વખત પોરબંદરથી હાથલા સુધીની ૨૭ કી.મી.ની રાત્રી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

સોબરગૃપ ઓફ પોરબંદર પદયાત્રા પરિવાર દ્વારા આયોજીત આ યાત્રાનું તા.૧૬ શુક્રવારે સાંજે ૭ થી ૮ પદયાત્રામાં જોડાવવા માંગતા પદયાત્રીકોએ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન  કરાવી પદયાત્રીનું કાર્ડ મેળવી લેવાનું રહેશે. રામ મંદિર, લોહાણા મહાજન વાડી પાસેથી પ્રસાદી લઇ પ્રસ્થાન કરાવવામાં આવશે તેમજ પદયાત્રીઓ માટે રાત્રીના ચા અને નાસ્તા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. પદયાત્રીઓને કોઇપણ જાતની મુશ્કેલી પડે નહી તે માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ સેવાના ભાગરૂપે કરી આપવામાં આવી છે ત્યારે ભાઇચારો ધાર્મિક ભાવના તેમજ સામાજીક સંદેશ 'જળ એ જ જીવન છે'ના સૂત્ર સાથે કરાયેલા આ આયોજનમાં પોરબંદરથી હાથલા સુધીની પદયાત્રા કરવા માંગનારાઓએ વિશેષ વિગત માટે સંસ્થાના ચેરમેન દિલીપભાઇ ધામેચાના મો.નં.૯૮૨૫૪ ૨૬૭૧૭, તેમજ મહામંત્રી ભીખુભાઇ મહેતા મો.૯૮૨૫૭ ૩૬૬૭૪ ઉપર સંપર્ક સાધી શકાશે.

સોબરગૃપ દ્વારા દર વખતે યોજાતી આ પદયાત્રામાં જનજાગૃતિ માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગત વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે પાણીની તંગી ઉભી થનાર છે ત્યારે પાણીની કટોકટી સર્જાય નહી તેવી શનિદેવ પાસે પ્રાર્થના સાથે આ યાત્રા પ્રસ્થાન થશે અને રસ્તામાં બેનરો, સ્ટીકરો, સુત્રો દ્વારા પાણી બચવાવા જનજાગૃતિ પણ ફેલાવાશે તેવી યાદી સંસ્થાના ચેરમેન દિલીપભાઇ ધામેચાએ પાઠવી જણાવ્યું છેકે, ચાલુ માસ દરમિયાન જ વિશ્વ જળ દિવસ આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે.

(1:02 pm IST)