Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સુરેન્દ્રનગર સબજેલના દરવાજા પાસે પત્ની અને બે સંતાનોને રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારનાર ચોટીલા હીરાસર ગામના નિવૃત્ત સીઆરપીઅેફ જવાનનું છાતીમાં દુઃખાવો ઉપડતા મોત

સુરેન્‍દ્રનગરઃ ચોટીલાના હીરાસર ગામે બે વર્ષ પૂર્વે નિવૃત સી.આર.પી.એફ. જવાને ગૃહ કલેશથી વાજ આવી રાત્રે મીઠી નિંદર માણી રહેલ પત્ની અને બે સંતાનો સહિત ૩ ઉપર રિવોલ્વરથી ધડાધડ ફાયરીંગ કરી ઢીમ ઢાળી દીધુ હતુ. ત્રિપલ મર્ડરના બનાવમાં પરિવારનો મોભી સુરેન્દ્રનગર સબ જેલમાં બે વર્ષથી કાચા કામના કેદી તરીકે કેદ હતા. ગુરૃવારે સવારે આ કેદીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયાની ફરિયાદ કરતા ગાંધી હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતી વેળાએ સબ જેલના ગેઈટ પાસે ગબડી પડયો હતો. આથી પુન: ગાંધી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા મોત નિપજયાનું હોસ્પિટલ સુત્રોએ જાહેર કર્યુ હતુ. બીજી બાજુ મૃતકના પરિવારજનોએ આ બનાવને શંકાસ્પદ હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે.

ચોટીલા તાબાના બે હજારની વસ્તી ધરાવતા ખોબા જેવડા હીરાસર ગામમાં વર્ષ ર૦૧ર બાદ સી.આર.પી.એફ જવાન ભુપતભાઈ લાખાભાઈ નાકીયા પરિવાર સાથે નિવૃતી વ્યતીત કરી રહ્યા હતા. પરંતુ પત્ની દયાબેન ઉપર વહેમ રાખી શંકા કુશંકાઓ ઉભી થતી હતી. અને એ મામલે પતિ-પત્ની વચ્ચે ચણભણાટ રહેતો હતો. બાદમાં બે વર્ષ પૂર્વે હીરાસર ગામમાં રાત્રે રાંદલ તેડા ઉત્સવ બાદ પત્ની દયાબેન અને પુત્રી સીમરન (ઉ.વ.૧૩) અને પુત્ર નિતીન (ઉ.વ.૧ર) ઘેર પરત ફરી ઘરના ધાબા ઉપર સુઈ ગયા હતા. મીઠી નિંદર માણી રહેલ માતા અને બે સંતાનો ઉપર નિવૃત સી.આર.પી.એફ. જવાન ભુપત લાખાભાઈ નાકીયાએ પત્ની ઉપરની શંકાને ધ્યાનમાં રાખી પોતાની પાસેની રિવોલ્વર માંથી ધડાધડ ફાયરીંગ કરી માતા અને બે સંતાનોના ઢીમ ઢાળી દીધા હતા. આ ત્રિપલ મર્ડરના બનાવમાં હત્યાર ભુપત લાખાભાઈ નાકીયા સુરેન્દ્રનગરની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા હતા.

જેલમાં ગુરૃવારે સવારે કેદી ભુપત નાકીયાને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ઈન્ચાર્જ જેલર અભીસિંહ રાઠોડને ફરિયાદ કરી હતી. આથી જેલરે તાત્કાલીક પોલીસ જાપ્તા સાથે કેદી ભુપતને ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની પ્રાથમિક સારવાર થવા પામી હતી. પરંતુ તેને બીપી ર૯૦ જેટલુ હાઈ થઈ જતા વધુ સારવાર અર્થે રાજકોટ મોકલવા જણાવ્યુ હતુ. પોલીસ જાપ્તા સાથે સુરેન્દ્રનગર સબ જેલમાંથી પોલીસ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડાતી વેળાએ કેદી ભુપત નાકીયાને જેલના ગેઈટ ઉપર ચક્કર આવતા ગબડી પડયા હતા.આથી પુન: ગાંધી હોસ્પિટલે ખસેડાતા ઉપસ્થિત ડોકટરે કેદી ભુપત નાકીયાનું મોત નિપજયાનું જાહેર થવા પામ્યુ હતુ.

સુરેન્દ્રનગર સબજેલમાં ત્રિપલ મર્ડરના બનાવમાં બે વર્ષથી સજા ભોગવી રહેલ હીરાસર ગામના ભુપત નાકીયા નું એટેક આવતા મોત નિપજયાનું તબીબી સુત્રોએ જાહેર કર્યુ છે. આથી આ કેદીની લાશને પી.એમ. અર્થે રાજકોટની ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવી છે. જયાં મૃતકનું પી.એમ. વિડીયો ગ્રાફી સાથે હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યુ છે.

હીરાસર ગામના ત્રિપલ મર્ડરના કાચા કામના કેદી ભુપત નાકીયાનું મોત નિપજયાનું ખુલવા પામ્યુ છે. ત્યારે આ બનાવ અંગે મૃતકના ભાઈ પાંચાભાઈ લાખાભાઈ નાકીયાએ ઘટના અંગે અમને મોડી જાણ કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર સબ જેલમાં છેલ્લા કેટલાંક સમયથી કેદીનું આરોગ્ય કથળી જવુ અને બે થી ત્રણ કિસ્સામાં મોત નિપજયાનો આક્ષેપ કર્યો છે. જયારે મૃતક ભુપતભાઈએ તેમના ભાઈ પાંચાભાઈ સાથે બુધવારે સાંજે મોબાઈલ ઉપર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કશુ અજુગતુ જણાયુ ન હતુ. ત્યારે અચાનક બીજા દિવસે છાતીમાં સામાન્ય દુ:ખાવા બાદ તેમનું મોત નિપજયાની ઘટના શંકા ઉપજાવનારી હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યુ છે. અને આ મામલે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરનાર હોવાનું અંતમાં જણાવ્યુ છે.

(8:45 pm IST)
  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST