Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અબડાસાના ધારાસભ્ય જાડેજાનું વિધાનસભાને જબરદસ્ત દિશાસૂચન!!

માત્ર ૪ ચોપડી ભણેલા પરંતુ સાચા લોકનાયક પ્રધ્યુમનસિંહએ બજેટ ચર્ચામાં ચિત્રાત્મક શૈલીથી રજૂઆત કરી અધ્યક્ષ તથા હરિફ પક્ષની પણ 'દાદ' મેળવીઃ લખી વાંચી શકતા નથી તેવું 'વટભેર' સ્વીકારી પોતાની અદ્ભૂત સ્પીચમાં ગાંધીજી-બચ્ચન અને કેશુભાઇને આવરી મતવિસ્તારની સાચી પરિસ્થિતિ વણાવી

રાજકોટ, તા. ૮ : ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે હાલમાં રાજકારણના રંગો આમ આદમીમાં અસંતોષનો વિષય બન્યા છે. ત્યારે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ નિખાલસતા-ભાવુકતા અને સાચા લોકનાયક તરીકેની લાગણી સાથે વિધાનસભામાં બજેટ ચર્ચા દરમ્યાન અદ્ભૂત  અભૂતપૂર્વ અને જબરદસ્ત રજૂઆત કરી ગૃહના અધ્યક્ષ, નાણામંત્રી, ગૃહમંત્રી સહિત તમામના દીલ જીતી લીધા હતાં. પોતે લખી વાંચી શકતા નથી તેવું વટભેર સ્વીકારી કાગળ પર ચિત્ર દોરીને સોલીડ ચર્ચા કરી અભૂતપૂર્વ દાદ મેળવી હતી.

ગુજરાતની ૧ નંબરની વિધાનસભા બેઠક અબડાસા-૧ ધારાસભ્યમાં ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ગૃહમાં વટભેર કહ્યું હતું કે, હું લખી વાંચી શકતા નથી માટે ચિત્ર દોરીને વ્યવસ્થિત રજૂઆત માટે મુદ્દા તૈયાર કર્યા છે. મારી વાત રાજકીય નથી, પરંતુ મારા વિસ્તારના લોકોની હાલાકી દૂર કરવા માટેની છે.

જાડેજાએ પોતાનું વકતવ્ય ૧ થી ૧૮ મુદ્દા ચિત્ર દોરીને તૈયાર કર્યું હતું જે જાહેરમાં દર્શાવ્યું પણ હતું.

પોતાની જાતે ચિત્રાત્મક શૈલીમાં મુદ્દા લખીને એક બાદ એક એમ પોતાની નિખાલસ, લાગણીસભર અને સાચા લોકનાયક બનીને ગૃહમાં વાણીને અસ્ખલીત વહાવી હતી. તેમણે પોતાની ચિત્ર સ્પીચમાં ૧ નંબર ગૃહ અધ્યક્ષને આપયો હતો ત્યારથી ચાલુ કરીને નખત્રાણામાં જીએમડીસી દ્વારા તૈયાર કરેલ અને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જેનું લોકાર્પન કર્યું હતું તેવી કોલેજમાં ૪૦૦ વિદ્યાર્થીઓ ભણે છે તેમ જણાવી ઓરમાયા વર્તનની જબરદસ્ત રજૂઆત કરી હતી.

બજેટ ચર્ચાના કારણે તેમણે નીતિનભાઇ પટેલને યાદ કરવા શુટકેશનું ચિત્ર દોર્યું હતું અને નીતિનભાઇ પટેલને ભાવવાહી સ્વરે કહ્યું હતું કે જો નખત્રાણાનીકોલેજને સરકારીની ગ્રાન્ટ મળે તો ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓને આપણે સાચો ન્યાય અપાવી શકશું.

પોતાની સ્પીચમાં ગાંધીજીનું ચિત્ર દોરી તેમણે 'વૈશ્નવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે'ને યાદ કરી કચ્છની પ્રજા જે પીડા સહન કરે છે તે જોવા આવવા મુખ્યમંત્રી, નાણામંત્રીને અનુરોધ કરી પ્રશ્નો ઉકેલવા વિનંતી કરી હતી.

અમિતાભ બચ્ચનને પણ ચિત્રમાં 'લંમ્બુ' તરીકે દોરીને યાદ રાખ્યું હતું કે કહ્યું હતું કે ટીવીમાં બહુ સારૂ લાગે છે કે અમિતાભ બચ્ચન બોલે છે કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા' પરંતુ કચ્છવાળાઓ શું જોઇ રહ્યા છે અને સહન કરી રહ્યા છે તે તો બધા કચ્છ આવે તો જ ખબર પડે.

ધોરણ ૪ ચોપડી ભણેલા પ્રધ્યુમનસિંહ તોતીંગ બહુમતીથી ભાજપને હરાવીને જીત્યા છે. અગાઉ બે ટર્મ જીલ્લા પંચાયતમાં ચૂંટાઇને બાંધકામ ચેરમેન તરીકે સફળ કામગીરી કરી છે. અબડાસામાં અગાઉ શકિતસિંહ ગોહિલને વિજય બનાવવામાં તેમનો સિંહફાળો હતો. ૪૪૪ ગામની સાચા પ્રતિનિધિની કામગીરીને સલામ અપાઇ હતી.

ભણેલા નહીં, પરંતુ પૂરેપૂરૂ ગણેલા લોકોના સાચા પ્રતિનિધિ એ અભૂતપૂર્વ પદ્ધતિથી બજેટમાં ભાવુકતા સાથે જે રજૂઆત કરી અને 'ચિત્ર સ્પીચ' આપી તેને ગૃહના અધ્યક્ષે બિરદાવીને તમામ ધારાસભ્યોને આ સ્વીચની નકલ આપીને ધારાસભ્યને દાદ આપી હતી.

નાણામંત્રી, ગૃહમંત્રી, વિપક્ષી નેતા સૌએ અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાની લાગણી-માંગણીને બિરદાવી ભરપેટ વખાણ કર્યા હતાં.
ધારાસભામાં ભણેલા કેટલાય ધારાસભ્યોએ બજેટ સ્પીચમાં ચર્ચા કરી નથી ત્યારે અલૌકિક રીતે ચિત્રસ્પીચ તૈયાર કરી જાડેજાના ઉત્સાહ અને સક્રિયતાને ભારે દાદ મળી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અમારા મત વિસ્તાર અબડાસા-૧ માં ત્રણ તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપત સાથે છે. આ વિસ્તાર અતિ પછાત વિસ્તાર તેમજ સરહદી વિસ્તાર છે. મારા મત વિસ્તારમાં કુલી ૪૪૪ ગામો આવેલ છે.

આવા વિસ્તારમાં આજના સમયમાં યુવાન દિકરા-દિકરીઓને પોતાના અભ્યાસ માટેની પ્રાથમિક સુવિધાની અનેક જરૂરીયાતો છે, તેમાં મુખ્યત્વે નખત્રાણા મધ્યે જી.એમ.ડી.સી.ના સહયોગથી વર્ષ-ર૦૦૧માં આર્ટસ-કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવેલ છે. જેની શરૂઆત માન. શ્રી કેશુભાઇ પટેલ, માન. પૂર્વ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયેલ. આ કોલેજનું નામ પણ જી.એમ.ડી.સી. આર્ટસ કોમર્સ કોલેજ આપવામાં આવેલ.

જાડેજાએ કહ્યું કે ત્યારબાદ નખત્રાણા વિસ્તારના દાતાશ્રીઓના સહયોગથી આજદિન સુધી જેમ તેમ કોલેજ ચાલુ રહી શકેલ છે. જો આ કોલેજને સરકારશ્રી તરફથી અનુદાન પ્રાપ્ત થાય અથવા સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો ચાલુ રહી શકે તેમ છે.

જો આ કોલેજ બંધ થાય તો પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાઓના અંદાજે પ૦૦ થી ૭૦૦ વિદ્યાર્થીઓનું જીવન અંધકારમય બની જશે. આ તાલુકાના આ વિદ્યાર્થીઓને ધોરણ-૧ર પછી અભ્યાસ માટે અંદાજે ૧૦૦ થી ૧રપ ના કિલોમીટરના અંતરે ભૂજ મધ્યે કોલેજમાં અભ્યાસ કરવા જવું પડે તેવી સ્થિતિ સર્જાશે.

આ નખત્રાણા મધ્યે આવેલ જી.એમ.ડી.સી. કોલેજને સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે તેવી અમારી લાગણી છે તો આ આપની કક્ષાએથી સંબંધિતોને સૂચના આપવા મારી આપને ખાસ અંગત ભલામણ છે.

(11:46 am IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST