Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

આંતરરાષ્ટ્રીય મહિલા દિને સલામ...

જસદણમાં ૬ વર્ષથી દાઉદી વ્હોરા સમાજની ૬ બહેનો દ્વારા ટિફીન સેવા

જસદણ તા.૮: અહીંના છ બહેનો છેલ્લા છ વર્ષથી દાઉદી વ્હોરા સમાજની એક ટીફીન સેવાનું સંચાલન વિશ્વમાં એક માત્ર મહિલાઓ કરી રહી છે. તેમને આંતરરાષ્ટ્રીય મહિલા દિન એ સલામ. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઇ સાહેબ (સૈફૂદ્દીન) (ત.ઉ.શ.) દ્વારા  દુનિયાભરના ૧ર દેશોના હજારો ગામોમાં વ્હોરા સમાજને એક ટંકનું ખાણું મળી રહે તે માટે અલ મવાઇદ બુરહાનિયાના નામથી ટીફીન સેવા ચાલી રહી છે જેમાં સમાજના દરેક પરિવારોને એક ટંકનું ભોજન મળી રહ્યું છે.

જેનું સંચાલન દરેક ગામોમાં પુરૂષો કરે છે પણ જસદણ એક એવું ગામ છે જયાં ૪પ જેટલા વ્હોરા પરિવારોને ત્યાં જતા ટીફીનનું સંચાલન ખતીજાબેન ભારમલ, આઇમનબેન ભારમલ, ફાતેમાબેન ભારમલ, અલીફયાબેન ધનકોટ, રૂકૈયાબેન ભારમલ, ફાતેમાબેન ભારમલ આ છ મહિલાઓ છેલ્લા છ વર્ષથી સંચાલન કરી જસદણ દાઉદી વ્હોરા સમાજને મદદરૂપ બની રહી છે. પરિવારની જવાબદારી અને ઘરકામની વ્યસ્તતા વચ્ચે તમામ વહીવટી બાબત હિસાબ કિતાબ વાનગીઓનું મેનું બનાવવું જયારે પણ રસોડામાં જરૂર પડયે ઉભા રહેવું. આ બાબતની કામગીરીની નોંધ લઇ તેમની બેખુબી ભરી સેવા કામગીરીને ખુદ સમાજના ધર્મગુરૂએ પ્રશંસાપત્ર આપી બિરદાવી હતી.

બહેનોએ જણાવ્યું કે તાજદાર ડો.સૈયદના સાહેબની પ્રેરણાથી આ કામ સરળતાથી ચાલી રહ્યું છે. છેલ્લા છ વર્ષથી આ રસોડું કાર્યરત છે.

(11:28 am IST)