Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃમિ નાશક દિવસ અંતર્ગત આગામી તા. ૧૦ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી અપાશે

દેવભૂમિ દ્વારકા:કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર અનેક ગંભીર અસરો જેવી કે લોહીની ઉણપ, પાંડુ રોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઝાડા—ઉલટી, વજનમાં સતત ઘટાડો... વિગેરે જેવા અનેક ચિન્હો બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે.

 બાળકોની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર રાજય અને જિલ્લામાં તા.૧૦/૦૨/૨૦૨૩ થી તા.૧૭/૦૨/૨૦૨૩ સુધી “રાષ્ટ્રીય કૃમિ મૂકિત અઠવાડીયા' અન્વયે શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિઃશુલ્ક આપવાની કામગીરી ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) બાળકોને ખવડાવવામાં આવશે. જેમાં ૧ થી ૫ વર્ષના બાળકોને આ દવાનો ૧ ડોઝ આંગણવાડી કેન્દ્ર ઉપર ખવડાવવામાં આવશે તેમજ ૬ થી ૧૯ વર્ષના બાળકોને આ દવા શાળા મારફતે કોવિડ–૧૯ ની ગાઈડલાઈનને અનુસરીને ખવડાવવામાં આવશે. આંગણવાડી તથા શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આંગણવાડી કેન્દ્ર પર આ દવા વિનામુલ્યે ખવડાવવામાં આવશે. કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ નામની ગોળી બાળકો માટે સુરક્ષિત દવા છે. આ દવા તમામ સ્તરે નિરીક્ષણ હેઠળ આપવામાં આવશે.

 બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા જેવા કે લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા જેવા કે આંગણવાડી કેન્દ્ર અને શાળામાં હાજરી, ગ્રહણ શકિતમાં સુધારો, ભવિષયમાં કાર્યક્ષમતામાં સુધારો, જીવનદરમાં વૃઘ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે. કૃમિની દવા ખાવાની સાથે—સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો ખૂબજ જરૂરી છે જેવા કે નખ નાના અને સાફ રાખવા, હંમેશા પીવાનું પાણી સ્વચ્છ રાખવું, ખોરાકને ઢાંકીને રાખવો, ચોખ્ખા પાણીથી ફળો અને શાકભાજી ધોવા, ઘરની આજુ—બાજુ સ્વચ્છતા રાખવી, પગરખાં પહેરવા, ખુલ્લામાં જાજરૂ ન જવુ, હંમેશા શૌચાલયનો ઉપયોગ કરવો, જમ્યા પહેલા અને શૌચપછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

  કૃમિના સંક્રમણ ચક્રના ઉપાય માટે દરેક બાળકને આલ્બેન્ડાઝોલની ગોળી આપવી આવશ્યક છે. બાળકોમાં તાત્કાલીક કૃમિનો પ્રભાવ જોવા ન પણ મળે પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ સર્વાંગીક અને શારિરીક વિકાસ પર લાંબા સમય પછી નુકશાનકારક સાબિત થઈ શકે છે. જેથી કરીને કૃમિનાશક ગોળી ચાવીને ખાવી .

 વધુ માહિતી માટે તમારા વિસ્તારના આંગણવાડી કાર્યકર, આશા બહેનો, આરોગ્ય ક્ષેત્રીય કર્મચારીઓનો સંપર્ક કરવો. તા.૧૦/૦૨/૨૦૨૩ થી તા.૧૭/૦૨/૨૦૨૩ સુધી ૧ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને કૃમિનાશક નિઃશુલ્ક દવા નજીકના આંગણવાડી કેન્દ્ર તથા શાળામાં જઈને રૂબરૂ ખવડાવવામાં આવશે. જેથી દરેક વાલીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જનસમુદાયને અપીલ કરવામાં આવી છે.

(12:56 am IST)