Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સાવરકુંડલા સ્‍ટેટ દરબાર જોગીદાસ ખુમાણની તસ્‍વીરની સત્‍યતા બાબતે મતમતાંતર : પ્રતાપભાઇ ખુમાણ

સાવરકુંડલા તા. ૯ :  ભાવનગર સ્‍ટેટ સામે, નેકી ટેકી ખાનદાની નજરની પવિત્રતા અને ઉદારતાની મિસાલ સાથે બહારવટુ ખેડીને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે ગાથા અમર કરી જનાર,  બાપુશ્રી જોગીદાસ ખુમાણની તસવીર બાબતે ઘણા સમયથી મતમતાંતર ચાલ્‍યા આવે છે. એ સમયમાં કેમેરા તો હશે, કારણ કે અગાઉના રાજા રજવાડાઓના ફોટા જોવા મળે છે.

પણ જુજ જ એવા સ્‍ટેટ કે એ જમાનામાં યુરોપ કે ઇગ્‍લેન્‍ડ સાથે કનેકટેડ હોય,સામાન્‍ય રીતે નાના રજવાડાઓ પોતાના  પેઇન્‍ટર સામે બેસી પોતાનું ચિત્ર બનાવતા ત્‍યારે સાવરકુંડલા શહેરમાં આવેલ સનરાઇઝ સ્‍કુલનાં મેનેજીંગ ટ્રસ્‍ટી અને આ જ ખુમાણ પરંપરાના પ્રતાપભાઇ ખુમાણે તમામ કાઠી દરબાર સમક્ષ  એક તૈલી ચિત્ર રજુ કરી આ ફોટો જોગીદાસબાપુનો હોય શકે તેવો અંદાજ રજુ કરી તમામનો અભિપ્રાય માંગ્‍યો છે. તેમને પ્રાપ્‍ત થયેલ એક તૈલી ચિત્રની ફોટોકોપી જોગીદાસબાપુ ખુમાણની હોવાનું પ્રાથમિક તબકકે જણાતાં સમગ્ર કાઠી દરબાર સમાજનો આ અંગે અભિપ્રાય માંગ્‍યો છે. વાત એમ છે કે પ્રતાપભાઇ ખુમાણને હાલ મદ્રાસ (ચેન્‍નાઇ) રહેતા એક બ્રાહ્મણ પરિવાર કે જેના વડદાદા ગાયકવાડ સ્‍ટેટમાં ફોટોગ્રાફર અને પેઇન્‍ટર તરીકે વર્ષો સુધી કામ કરતાં. આ બ્રાહ્મણ પરિવાર પાસે જુના તૈલી ચિત્રો અત્‍યંત જર્જરીત હાલતમાં હતા અને હવે ઉધ્‍ધઇને કારણે રાખી શકાય તેમ ન હતાં જેથી તે પરિવારે તેનો નિકાલ કરવાનું નકકી કર્યુ. આ ફોટાઓમાં ઘણા સૌરાષ્‍ટ્રના બહારવટિયા  Outlaw, robber, thief bandit જેવા ટાઇટલ સાથે માંડ માંડ આછેરો અણસાર આવે તેવી હાલતમાં હતા. અમુકમાં નામના માત્ર એકાદ બે અક્ષર ઉકલે. જેમાંથી એક ફોટો  જોગીદાસબાપુ ખુમાણનો હોવાનું અને પેઇન્‍ટ કરેલો પણ એકદમ રદી હાલતમાં જોયો. પરંતુ કાગળને ઉધ્‍ધઇ એટલી હદે લાગી હતી તેને હાથમાં લઇએ તો જીણી કટકી થઇ જાય. પછી આ ચિત્રનો ફોટો ખેંચી કોમ્‍પ્‍યુટરમાં થોડુ પેઇન્‍ટ કરીને બનાવ્‍યો અને તે પેઇન્‍ટ કરેલો ફોટો તે પરિવાર સાવરકુંડલાના પત્રકાર અને સનરાઇઝ સ્‍કુલનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી પ્રતાપભાઇ ખુમાણને મોકલ્‍યા. જો કે પુ. જોગીદાસબાપુ ખુમાણનુ જ આ તૈલી ચિત્ર હોવાનું ખુમાણ પોતે પણ દાવો નથી કરતા પરંતુ અત્‍યાર સુધી જે ચિત્રને સમાજ પુજતો આવ્‍યો છે, જે હકિકતમાં તો ગુજરાતની ફિલ્‍મમાં જે અભિનેતાએ જોગીદાસબાપુનો રોલ ભજવેલ તે જ છે એ તો સ્‍પષ્‍ટ દેખાય છે.

આ તો એના જેવું થયું કે, રામાયણ સિરીયલમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલનાં ફોટા ઘરમાં રાખી તેની સેવા પુજા કરવી. એમ પ્રતાપભાઇ ખુમાણનું અંગત માનવુ છે. ત્‍યારે હાલ અત્‍યારે પ્રતાપભાઇ ખુમાણને મળેલ ચિત્ર એકપણ એકટરને મળતુ આવતુ નથી. માટે જ તમામ કાઠી દરબાર સમાજ સમક્ષ આ ચિત્ર પોતે રજુ કર્યુ છે અને તમામનો આ અંગે અભિપ્રાય પણ માગ્‍યો છે શ્રી પ્રતાપભાઇ ખુમાણ વધુમાં પોતાની દલીલમાં જણાવે છે કે ભગવાન શ્રી રામ કે શ્રી કૃષ્‍ણ કે હનુમાનજીના આ તમામ અવતારોના કયાં ફોટા હતા. બધાના કાલ્‍પનિક પેન્‍ટીંગ જ બનાવેલા છે. અને સમસ્‍ત હિંદુ સમાજ તેને સ્‍વીકારીને શ્રધ્‍ધાપુર્વક પુજા કરે છે.

(1:53 pm IST)