Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મોરબી એસઓજીએ રફાળેશ્વર ગામેથી ગાંજાના જથ્‍થા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

૪ કિલો ૪૫૦ ગ્રામ ગાંજા સાથે અમૃતભારથી અને બાબુ રાઠોડની ધરપકડ : કરશનની શોધ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૯ : મોરબી એસઓજી ટીમે રફાળેશ્વર ગામે દરોડા પાડીને ચાર કિલોથી વધુના ગાંજાના જથ્‍થાને જપ્‍ત કરી બે શખસોને ઝડપી લીધા હતા.

મોરબી એસઓજી  પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આરોપી અમળતભારથી રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં માદક પદાર્થનો જથ્‍થો વેચાણ અર્થ રાખીને નશાનો વેપલો ચલાવે છે. જેના આધારે એસઓજી પોલીસની ટીમ ઘટના સ્‍થળે દરોડા પાડ્‍યા હતા. જ્‍યાં આરોપી અમળતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઇ  અને બાબુભાઇ પાલાભાઇ રાઠો મળી આવ્‍યા હતા અને ઘરની તપાસ દરમિયાન રૂપિયા ૪૪,૫૦૦ની કિમતનો ૪ કિલો ૪૫૦ ગ્રામનો  વનસ્‍પતી જન્‍ય માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ ઉપરાંત ૧૨૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા૭,૧૦૦ તેમજ રૂપિયા ૫૦૦ની કિંમતનું લોખંડનું ત્રાજવું અને વજનિયા સહિત કુલ રૂપિયા ૫૩,૩૦૦નો મુદ્દા માલ ઝડપાયો હતો.

 પોલીસની સઘન તપાસમાં સામે આવ્‍યું હતું કે બંને આરોપીઓ આ ગાંજાના જથ્‍થાનો વેચાણ બનાસકાંઠા ખાતે રહેતા આરોપી કરશનભાઇ ભીખાભાઇ વાઘેલા પાસેથી લીધા હતા અને તે પણ આ ગુનામાં સામેલ હોવાની કબુલાત બંને આરોપીઓ આપી હતી. જેના આધારે એસોજી પોલીસની ટીમને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:12 pm IST)