Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જસદણના વાજસુરપરામાં બે આંગણવાડી કેન્‍દ્ર બીમાર

પાલિકા તંત્રની બેદરકારી : માખી-મચ્‍છરોનો ઉપદ્રવ વધતા બાળકોના જીવ જોખમમાં

 (નરેશ ચોહાલીયા દ્વારા) જસદણ,તા.૯ : વોર્ડ નં.૨ માં આવેલ વાજસુરપરા વિસ્‍તારના આંગણવાડી કેન્‍દ્ર નં.૬૯ અને કેન્‍દ્ર નં.૭૪ પાસે છેલ્લા ઘણા સમયથી ખૂબજ ગંદકી જોવા મળી રહી છે. આ બન્ને આંગણવાડી કેન્‍દ્ર ફરતેની દિવાલ જાણે કે કચરો ઠાલવવાનું હબ બની ગયું હોય તેમ જલારામ કોમ્‍પ્‍લેક્ષના રહીશો દ્વારા તેમના ઘરનો બધો કચરો ત્‍યાં મુકેલી કચરા પેટીમાં નાખવાના બદલે આંગણવાડી પાસે જ ફેંકી દેતા હોવાથી નાના ભૂલકાઓને આંગણવાડીમાં બેસવું મુશ્‍કેલ બની ગયું છે. જો કે આ અંગે વાજસુરપરા વિસ્‍તારના જાગળત નાગરિક દ્વારા જસદણ નગરપાલિકામાં ગત તા.૨૯-૧૨ ના રોજ આ ગંદકી હટાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજદિન સુધીમ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ બન્ને આંગણવાડી ફરતે ખડકાયેલા ગંદકીના ગંજને હટાવવાની પણ તસ્‍દી લેવામાં નહી આવતા ભૂલકાઓ અને તેના વાલીઓ ત્રસ્‍ત બની ગયા છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્‍ય પગલાં લે તેવું વિસ્‍તારના રહીશો ઈચ્‍છી રહ્યાં છે. જસદણના વાજસુરપરા વિસ્‍તારમાં આવેલ આંગણવાડી કેન્‍દ્ર નં.૬૯ માં ૬૦ અને કેન્‍દ્ર નં.૭૪ માં ૪૫ ભૂલકાઓ એકડો શીખવા માટે આવે છે. પરંતુ આ બન્ને આંગણવાડી કેન્‍દ્ર ફરતે અધધ ગંદકી છવાઈ ગઈ હોવાથી હાલ ભૂલકાઓનું સ્‍વાસ્‍થ્‍ય જોખમાઈ રહ્યું છે. આવા સંજોગોમાં સંબંધી તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી લોકોમાં રોષ વ્‍યાપ્‍યો છે. એકબાજુ તંત્ર બાળકોને કુપોષણથી બચાવવા નવી-નવી યોજનાઓ અંગે તાયફાઓ કરે છે. ત્‍યારે જસદણમાં આ બન્ને આંગણવાડીમાં ભણતા બાળકોને માખી-મચ્‍છર તથા રોગચાળા વચ્‍ચે રહેવાનો વારો આવે તેવી પરિસ્‍થિતિ હાલમાં જોવા મળી રહી છે. 

 

(1:52 pm IST)