Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આ વર્ષે મહાશુભદાયી મહાશિવરાત્રી

મહાશિવરાત્રી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો સૌથી મોટો તહેવાર છે એવુ માનવામાં આવે છે કે આ તિથિ પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભકતો મહાદેવને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે. ફાગણ મહિનાના કૃષ્‍ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ એટલે કે શનિવારે ઉજવવામાં આવશે.

આ દિવસે જે લોકો સાચી નિષ્‍ઠા, ભકિત અને શ્રદ્ધાથી વ્રત કરે છે. તેમનાથી મહાદેવ ચોક્કસ પ્રસન્‍ન થાય છે અને આ ભકતોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ તમામ પ્રકારના શુભ અને મંગળ કાર્યો કરવા માટે શ્રેષ્‍ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ વખતની મહાશિવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.

હિન્‍દુ પંચાંગ અનુસાર આ વખતે મહાશિવરાત્રી ૧૮ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે શનિ - પ્રદોષ વ્રત પણ આવી રહ્યુ છે. ધાર્મિક માન્‍યતા અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શિવ ભકતોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પ્રદોષ વ્રત કરનારથી મહાદેવ ખૂબ જ પ્રસન્‍ન થાય છે. પ્રદોષ વ્રતની સાથે જ આ દિવસે મહાશિવરાત્રી પણ આવી રહી છે. આવી સ્‍થિતિમાં શિવ ભકતો આ શુભ સંયોગથી વિશેષ લાભ મેળવી શકશે. પ્રદોષ વ્રત ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ શુક્રવારે રાત્રે ૧૧ વાગ્‍યા અને અને ૩૬ મિનિટે શરૂ થશે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ શનિવાર રાત્રે ૮ વાગ્‍યા અને ૨ મિનિટે સમાપ્‍ત થશે. ઉદયતિથિ અનુસાર પ્રદોષ વ્રત ૧૮ ફેબ્રુઆરીએ જ રાખવામાં આવશે. શનિ પ્રદોષ વ્રતની પૂજાનો સમય સાંજે ૬ વાગ્‍યા અનુ ૧૩ મિનિટથી ૮ વાગ્‍યા અને ૨ મિનિટ સુધીનો રહેશે.

મહા શિવરાત્રી અને પ્રદોષ વ્રતનો શુભ સમય

મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮:૦૨ વાગ્‍યે શરૂ થશે અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સાંજે ૪:૧૮ વાગ્‍યે સમાપ્‍ત થશે.

નિશીતા કાલનો સમય ૧૮ ફેબ્રુઆરી બપોરે ૧૧ વાગ્‍યા અને ૫૨ મિનિટથી ૧૨ વાગ્‍યા અને ૪૨ મિનિટ સુધી.

પ્રથમ પ્રહરની પૂજાનો સમય ૧૮ ફેબ્રુઆરી બપોરે ૧૧ વાગ્‍યા અને ૫૨ મિનિટથી ૯ વાગ્‍યા અને ૪૬ મિનિટ સુધી.

બીજો પ્રહર : રાત્રે ૯:૪૬ થી ૧૨ વાગ્‍યે અને ૧૨ મિનિટ.

ત્રીજો પ્રહર : બપોરે ૧૨:૫૨ થી ૩:૫૯ સુધી.

ચોથો પ્રહર : સવારે ૩:૫૯ થી ૭:૦૫ સુધી

પારણનો સમય : સવારે ૬:૧૦ થી બપોરે ૨:૪૦ સુધી

મહાશિવરાત્રી પર બદલાતી ગ્રહોની ચાલ

આ વખતે મહાશિવરાત્રી પર શનિ પણ પોતાની રાશી કુંભ રાશીમાં બેસશે સાથે જ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સૂર્ય પણ કુંભ રાશીમાં પ્રવેશ કરશે. એટલે કે આ વખતે મહાશિવરાત્રી પર સૂર્ય અને શનિ એક જ રાશી એટલે કે કુંભ રાશીમાં એક સાથે બિરાજમાન થશે. જેનાથી સૂર્ય શનિનો સંયોગ બનશે. વૈદિક જયોતિષ મુજબ શનિ અને સૂર્ય બંને શત્રુ ગ્રહ છે. આ સાથે જ આ વખતે ૧૫ ફેબ્રુઆરીએ શુક્ર પણ મીન રાશીમાં પ્રવેશ કરશે. શુક્ર ૨૧ એપ્રિલ સુધી મીન રાશીમાં રહેશે. મહાશિવરાત્રી પર શુક્રનું આ ગોચર અન્‍ય તમામ રાશીઓ માટે પણ સારૂ સાબિત થશે.

મહાશિવરાત્રી પૂજા વિધિ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની મૂર્તિ અથવા શિવલીંગ ઉપર પંચામૃત, કેસરયુકત, દૂધ, જળ, ૨૧ રસથી અભિષેક કરવો, ચંદનનું તિલક કરવું, અખંડ દિવો રાખવો. બીલીપત્ર, ભાંગ, ધતુરો, કમળ ફુલ અને ઋતુ ફળો અર્પણ કરવા. મિકસ મિઠાઈ ધરવી અને આ વખતે ખાસ કેસરયુકત ખીર ધરાવવી. રૂદ્રાભિષેક કરવો, લઘુરૂદ્ર કરવો, શિવરાત્રીનું જાગરણ કરવું. શિવસહષાના પાઠ કરવા. ભગવતે રૂદ્રાય ૐ નમઃ શિવાય રૂદ્રાય સંભવાય ભવાની પતયે નમો નમઃ

વિજયભાઈ શાસ્ત્રી

(જસદણવાળા)

મો.૯૪૨૬૨ ૮૯૦૩૫

(12:17 pm IST)