Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રોજગાર વાચ્છુઓને વ્યવસાયમાં સહભાગી બનવા સરકાર પ્રયત્નશીલ છે : બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પ સંપન્ન : નોકરીદાતાનું સન્માન

સુરેન્દ્રનગર તા. ૯ : જિલ્લા રોજગાર કચેરી- રોજગારવાંચ્છુઓને નાના- મોટા વ્યવસાયમાં સહભાગી બનાવી રોજગારી પુરી પાડી શકાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ સુરેન્દ્રનગર શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી બાવળીયાએ દરેક યુવાનોને રોજગારી મળી રહે તે નેમ સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે ઓછો અભ્યાસ કરેલ યુવાનોને પણ નાની મોટી રોજગારી માટેની તક મળી રહે તે હેતુથી આવા પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કરવામાં આવેલ છે. તેમણે રોજગારવાંચ્છુઓને જે જગ્યાએ ભરતી થાય તે તે સ્થાને પુરા ખંત અને નિષ્ઠાથી કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, ઉદ્યોગપતિશ્રી કિશોરસિંહ રાણા, કે.સી.જી.ના એડવાઇઝરશ્રી એ.યુ. પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું હતું કે ગુજરાતનો યુવા વર્ગ એ કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ છે, માત્ર જરૂરીયાત છે યુવાવર્ગને યોગ્ય સુવિધા અને માર્ગદર્શનની. સમગ્ર રાજયના નોકરીદાતાઓનો સંપર્ક કરી રોજગાર કચેરી દ્વારા સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં રોજગારવાચ્છુઓ લાભ લઇ રોજગારી પ્રાપ્ત કરે તેવો અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી બાવળીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. મંત્રીશ્રીના હસ્તે જિલ્લામાં સૌથી વધારે રોજગાર વાંચ્છુઓની જગ્યા ભરનાર કંપનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. ઉપરાંત રોજગારવાંચ્છુઓને વિવિધ કંપનીઓમાં નિમણુંક અંગેનો નિમણુંક ઓર્ડર આપવામાં આવેલ હતો. સ્વાગત પ્રવચન શ્રી એમ.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.કે. પરીખે તથા આભાર વિવધિ ર્ડા. બી.એન. વાલાણીએ કરી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી શંકરભાઇ વેગડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી એસ.જી. દેસાઇ સહિત વિશાળ સંખ્યામાં શહેરની વિવિધ કોલેજોના રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહયા હતાં.(૨૧.૩)

(10:27 am IST)