Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ઊભી થાય તે પહેલા આગોતરૂં આયોજન કરવા ધારાસભ્ય મેરજાની માંગણી

મોરબી તા.૯: મોરબી માળીયા તાલુકાના સંખ્યા બંધ ગામોમાં હાલ પીવાનું પાણી બે કે ત્રણ દિવસે મળે છે. તેવી માહિતી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રવાસ દરમિયાન મળી છે. જો શિયાળામાં પીવાના પાણીની તંગી પ્રવર્તતી હોય તો ઉનાળામાં તો આ સ્થિતિ વધુ વિકટ બનવાની પુરી સંભાવના રહે છે. તે જોતા અત્યારથી જ પીવાના પાણીની મોરબી શહેર કે ગ્રામ્ય પ્રજાને મુશ્કેલી ના પડે તે માટે ઉનાળામાં પાણીના વિતરણ માટેનું આગોતરૂ આયોજન ખૂબ અનિવયિ બન્યું છે. આ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા વિભાગને વિગતે રજુઆત કરીને એમ જણાવ્યું છે કે નર્મદાનું પાણી જે ટીંબળી ગામ પાસેથી પીપળીયા ચાર રસ્તા અને અન્યત્ર પહોંચાડાય છે તેમાં લો-પ્રેસરથી પાણી મળવું, વારંવાર પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થવી અને આ લીકેજ પાઇપ લાઇનને મરામત કરવામાં થઇ રહેલ વિલંબ પરિણામે વેડફાઇ જતું પાણી વિગેરે સ્થિતિનો ઉકેલ લાવવો ખૂબ અનિવાર્ય બન્યો છે. એવી જ સ્થિત મળીયા (મિં)ના ખીરઇ ગામ પાસેથી વિતરણ કરાતા પીવાના પાણીની તકલીફ રહી છે પરિણામે ખીરઇ પંથકના ગામડાઓમાંથી નિયમિત પીવાનું પાણી ન મળવાની રાવ-ફરિયાદો ઉત્તરોતર વધી રહી છે. તેનું પણ નિરાકરણ લાવવું ખૂબ અનિવાર્ય છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરેજા, માળીયા (મિં) તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન ડી.ડી.સરડવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ફુલતરીયા વિગેરેએ તાજેતરમાં પાણી પુરવઠાના પીપળીયા ચાર રસ્તાના હેડવર્કસની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી તેમાં જાત માહિતી મેળવતા આ પીપળીયા હેડવર્કસથી સત્યાવીસ ગામોને પીવાનું પાણી વિતરણ થાય છે જે પૈકી મેઘપર ગામે છેલ્લા બાર દિવસથી પીવાનું પાણી મળી શકયું નથી. તેવી સ્થિતિ સરવડ સહિત અનેક ગામોની જોવા મળે છે. આ પીપળીયા, હેડવર્કસ ઉપર પાણીનો પુરવઠો અગાવ કરતા અડધા જથ્થામાં ઉપલબ્ધ ઘાય છે પરિણામે પીવાના પાણીની ગામડાઓની માંગ સંતોષી શકાતી નથી. અગાવ વસ્તી અને વિસ્તારનું જે પાણીનું વિતરણ માપદંડ રખાયો હતો તેમાં વધુ વસ્ત્રી અને વધુ માંગણી મુજબ નવો માપદંડ સ્વીકારીને રધુ જથ્થો ફાળવવો ખૂબ જરૂરી બન્યો છે.

સરવડ પાઇપ લાઇનમાં એર-વાલ્વ મુકવો પણ તાકીદે જરૂરી છે આમ ઉનાળામાં આ પંથકમાં પીવાના પાણીની વિકરાળ સ્થિતિ ન ઉદ્ભવે તે માટે પાણી પુરવઠા તંત્ર પુરી ગંભીરતા સેવીને આગોતરૂ આયોજન અત્યારથી જ હાથ  ધરે તે બાબત ઉપર ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાર મુકયો છે.(૧.૮)

(12:41 pm IST)