Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભારે કરી... મોરબીના કંપની સેક્રેટરીના ખાતામાં કોઇએ ભૂલથી રૂ. ૮૭ લાખ નાખી દીધા!!

કંપની સેક્રેટરીએ સામેથી બેંકનો સંપર્ક કરી પૈસા પરત આપી દેવાની તૈયારી દર્શાવી ઈમાનદારીનું પ્રેરક ઉદાહરણ પુરૃં પાડ્યું

મોરબી ,તા. ૯ : મોરબીના એક કંપની સેક્રેટરીના ખાતામાં કોઈએ ભૂલથી રૂ. ૮૭ લાખ જમા કરી દીધા હોવાનો આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે.સામે કંપની સેક્રેટરીએ સામેથી બેંકનો સંપર્ક કરી પૈસા પરત આપી દેવાની તૈયારી દર્શાવીને ઈમાનદારીનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર અક્ષર ટાવરમાં પટેલ ફેફેર એન્ડ એસોસીએટ નામની ફર્મ ચલાવતા કંપની સેક્રેટરી ભાર્ગવભાઈ પટેલના IDBI બેંકના ખાતામાં ગઈકાલે અચાનક જ રૂ. ૮૭,૧૩,૫૦૪નો આરટીજીએસ મળ્યો હતો. આટલી મોટી રકમ અચાનક જ ખાતામાં જમા થઈ જતા ભાર્ગવભાઈ ભટ્ટ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓએ તુરંત જ બેંકનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓના ખાતામાં એકાએક મોટી રકમ જમા થઈ ગઈ છે.

ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું કે તેઓએ બેંકને આ બનાવની જાણ કરી દીધી છે. જેમને ભૂલથી તેઓના ખાતામાં પૈસા મોકલી દીધા છે તેઓ પણ મોરબીના જ હોવાનું માલુમ પડ્યું છે. પણ બેંક દ્વારા કોને પૈસા નાખ્યા છે તે જાણ કરવામાં આવી નથી. સોમવારે બેંક આ વિગતો આપે તેવી શકયતા છે. જેવી કે બેંક દ્વારા આ વિગતો આપવામાં આવે તેઓ તુરંત ચકાસણી કરીને આ રકમ જેમની છે તેમને પરત ટ્રાન્સફર કરી આપશે. આમ આજના પૈસાને જ મહત્વ આપતા સમયમાં ભાર્ગવભાઈએ આટલી મોટી રકમના પ્રલોભનમાં આવ્યા વગર રકમ મૂળ માલિકને પરત કરવાની તૈયારી દર્શાવીને ઈમાનદારીનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(2:52 pm IST)