Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ

મોરબી,તા. ૯: મોરબીના યુવાનને રૂપિયાની ઉદ્યરાણી મામલે છ ઈસમોએ ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા બાદ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર રહેતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પાસે ઇકો ગાડી જીજે ૩૬ બી ૭૬૬૧ હોય જે કારખાનામાં ચલાવતો હતો અને મિત્ર બળવંતસિંહ ઝાલા રહે નાળધ્રી તા. મુળી વાળાએ ઇકો ગાડી લેવી છે કહેતા ઇકો ગાડી ૧.૬૫ લાખમાં આપી હતી અને મિત્ર હોય જેથી રૂપિયા પછી આપી દઈશ કહ્યું હતું ત્યારે રૂપિયા આપ્યા ના હતા અને બળવંતસિંહ પાસે ઇકો ગાડીના રૂપિયા માંગતા કહ્યું હતું કે મારી પાસે તમે કોઈ રૂપિયા માંગતા નથી હું તારી પાસે ૧.૩૫ લાખ માંગું છું તેમજ તા. ૦૬-૦૧ ના રોજ સાંજે ફરિયાદી જયદીપસિંહ જાડેજા તેના ફ્લેટ ખાતે હોય ત્યારે બળવંતસિંહ ઝાલા, તેના ભાઈ પ્રવીણસિંહ ઝાલા, મિત્ર મયુરસિંહ ઝાલા રહે વાંકાનેર અને કિશનસિંહ દરબાર રહે જીવ તા. ધ્રાંગધ્રા વાળા ચારેય આવી બળજબરીથી ગાડીમાં બેસાડી લઇ ગયા હતા અને રૂ ૧.૩૫ લાખ બાકી છે તે આપવા બળજબરી કરી હતી અને ગાળો આપી હતી દરમિયાન મિત્ર નિકુંજનો મોબાઈલમાં ફોન આવેલ અને વાતચીત કરતા કહ્યું કે મારા ભાઈને ફોન કરી જાણ કરી દે બાદમાં આરોપી ગાડી માટેલથી માથક અને માથક થઇ નાડધ્રી ગામે બળુભાની વાડીએ લઇ ગયા હતા જયાં બીજા ત્રણેક માણસો હતા અને વાડીએ જઈ પૈસાની વાતચીત કરી હતી અને માર માર્યો હતો બાદમાં વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે બાથરૂમ જવાના બહાને તે ભાગી જઈને બાદમાં વાંકાનેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા ઝાલા, અજાણ્યો ઇસમ, પ્રવીણસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, કિશનસિંહ ઝાલા અને અમિતભાઈ સહિતના ઈસમો સામે અપહરણ તેમજ માર મારવા અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

વિસીપરામાં કડિયા કામ કરતા પડી ગયેલ પૌઢનું મોત

મોરબીના પંચાસર ચોકડી મહાવીરનગરના રહેવાસી કેશવજી મીઠાભાઇ નકુમ (ઉવ. ૫૨) વિસીપરામાં કડિયાગામ કરતા હોય ત્યારે લાકડા બાંધેલ માળા પરથી પડી જતા ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતદેહને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

કોરોનાના ૬ કેસ

મોરબી તાલુકામાં કોરોનાના નવા ૬ કેસો નોંધાયા છે. તો અન્ય ચાર તાલુકામાં નવો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે વધે ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૬ કેસો જેમાં ૧ ગ્રામ્ય અને ૫ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે વાંકાનેર,હળવદ, ટંકારા અને માળિયાના નવો એક પણ કેસ નોંધાયો નથી તો જીલ્લાના પાંચ તાલુકામાં વધુ ૧૪ દર્દી સ્વસ્થ થયા છે. નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૧૮૯ થયો છે. જેમાં ૯૫ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૨૮૮૩ દર્દી સ્વસ્થ થયા છે.

શનાળા બાયપાસ રોડ પર વિકાસના કામોના ખાતમુહૂર્ત

મોરબી શનાળા બાયપાસ રોડ પર આવેલ લાયન્સનગરના મેઇન રોડનું ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા સહિતના કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઝડપથી આ રોડનું કામ પૂર્ણ થઇ જાય તેવી આશા રાખવામાં આવી હતી.

(1:11 pm IST)