Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માણાવદરમાં બર્ડફલુનો કેસ આવતા સૌરાષ્ટ્રમાં તંત્ર એલર્ટ

ભાવનગરમાં ૧૦૧ મરઘા ઉછેર કેન્દ્રમાં તપાસઃ સોમનાથ ત્રિવેણી સંગમમાં વિદેશી પક્ષીઓને ગાંઠીયા ખવડાવવા ઉપર પ્રતિબંધઃ જુનાગઢ સક્કરબાગ ઝૂમાં સેનેટાઇઝ કામગીરી

પ્રભાસપાટણના ત્રિવેણી સંગમ ખાતે વિહરતા વિદેશી પક્ષીઓ નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

રાજકોટ, તા., ૯: જુનાગઢ જીલ્લાના માણાવદરના બાંટવા ખારા ડેમ સાઇટ બર્ડ ફલુનો એક કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. અને જુદી જુદી જગ્યાએ અગમચેતી રૂપે કામગીરી હાથ ધરાઇ છે.

માણાવદર

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદરઃ માણાવદર પંથકમાં તા.ર-૧થી પ૩ પક્ષી મૃત અવસ્થામાં બાંટવા ખારાડેમ સાઇટમાંથી મળેલા ત્યાર બાદ વધુ બે ટીટોડીના મૃતદેહ બે દિ' પહેલા મળેલા તેના સેમ્પલ ભોપાલ ખાતે મોકલાયેલ તેમાં ૧ પક્ષીમાં બ્લડ ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર માણાવદર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અંગે સ્થાનીક અધિકારી સાથે વાત કરતા જણાવેલ કે રીપોર્ટ હજુ અમારી પાસે આવયો નથી. પરંતુ ઉચ્ચ અધિકારીઓએ આ વાતને સમર્થન આપેલ. એક બાજુ કોરોનાનો કાળો કેર બીજી બાજુ બ્લડ ફલુનો પોઝીટીવ રીપોર્ટથી પપ ગામની જનતામાં ચિંતાની લહેર ઉઠી છે. ખાસ કરીને પશુને પક્ષીમાંથી જો ચેપ લાગે તો ચિંતાનો વિષય થઇ શકે છે અને જો ન કરે નારાયણ ને જનતામાં ચેપ લાગે તો વધુ ખતરનાક પરીણામ આવી શકે છે. પશુ ડોકટરોએ જણાવેલ કે ૧૦ કી.મી. એરીયામાં અમારી તપાસ થઇ છે અને વોચ છે અગાઉ અખબારોએ કયા કારણોથી રીપોર્ટ ચોક્કસ કારણ બતાવતા નહોતા ત્યારે બર્ડ ફલુનો રીપોર્ટ આવતા આમ જનતાએ પત્રકાર ગીરીશ પટેલના ફોન સતત રણકતા કરી દીધા શું છે ત્યાં ઇ રીપોર્ટમાં લોકોએ અખબારી અહેવાલો પ્રસિધ્ધ કરી જાગૃતીના કામ બદલ બિરદાવેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : બર્ડ ફલ્યુ અંગે ભાવનગરનાં આરોગ્ય તંત્ર દ્વારા પગલા ભરાયા છે. ભાવનગર જીલ્લામાં કુલ ૧૦૧ મરઘા ઉછેર કેન્દ્રો આવેલા છે જે પૈકી ૯ર મરઘા ઉછેર કેન્દ્ર એકલા મહુવામાં જ આવેલા છે. આ મહુવા મરઘા ઉછેર કેન્દ્રની જીલ્લા આરોગ્ય અધિકારી સહિતનાં એ મુલાકાત લીધી હતી અને મરઘા ઉછેર કેન્દ્રનાં સંચાલકો અને કર્મચારીઓને શંકાસ્પદ પક્ષી જણાય તો પશુપાલન ખાતાનાં સહયોગ થી તેનો નિકાલ  કરવા અને આરોગ્ય તંત્રને જાણ કરવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પ્રભાસ પાટણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ  :.. સોમનાથ ત્રિવેણી સંગમમાં હજારોની સંખ્યામાં વિદેશી સીંગલ નામનાં પક્ષીઓ રહે છે અને ઉડા-ઉડ કરીને યાત્રીકોનાં મન મોહી લે છે. પરંતુ આ પક્ષીઓને ખુબ જ ગાઠીયા ખવડાવેલ છે.  પરંતુ તાજેતરમાં બર્ડ ફલુ નામનાં રોગચાળો નિકળતાં આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ત્રિવેણી સંગમ કિનારે ફોરેસ્ટ વિભાગમાંથી આર. એફ. ઓ. અને તેમની ટીમ દ્વારા મુલાકાત લીધેલ અને ત્રિવેણી સંગમ કિનારે ગાઠીયાનું જે વેચાણ કરે છે તેના ઉપપ્રતિબંધ મુકેલ છે. કારણ કે આ પક્ષીઓનો ખોરાક ગાઠીયા નથી છતાં તેને ખુબ જ ભાવે છે તેમજ આ ગાઠીયા પણ હલકી ગુણવતાવાળા હોવાથી પક્ષીઓ  બિમાર પડી શકે છે.

આ બાબતે આર. એફ. ઓ. ગલચર દ્વારા જણાવેલ કે અમોએ ત્રિવેણી સંગમ કિનારે મુલાકાત લીધેલ અને જે લોકો ગાઠીયા વેચતા હતા તેના ઉપર પ્રતિબંધ લગાવેલ છે અને ગાઠીયા ન વેચવા સુચના આપવામાં આવેલ છે. અને આગામી સંકલન સમિતિની બેઠકમાં કલેકટરને રજૂઆત કરવામાં આવશે. અને ત્રિવેણી સંગમ કિનારે એક બોર્ડ મુકવામાં આવે તેમાં આ પક્ષીને કયા પ્રકારનો ખોરાક આપી શકાય જેથી યાત્રીકોને ખ્યાલ આવે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ :.. બાંટવાના ખારા ડેમમાં કેટલાક પક્ષીઓના મોત થયા છે. આ મોત બર્ડ ફલુને કારણે થયા હોવાની દહેશત ફેલાઇ છે.ત્યારે બર્ડ ફલુની  દહેશતને લઇ આગમચેતીના ભાગરૂપે જુનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સકકરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, બર્ડ ફલુને લઇ અગાઉથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૧૭ વિદેશી અને ૩૮ ભારતીય મળી કુલ પપ જાતના ૩૦૦ જેટલા પક્ષીઓ છે. ત્યારે સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ પક્ષીના પ૦ જેટલા પાંજરાને સેનેટાઇઝ કરાયા છે. આ કામગીરી અઠવાડીયામાં ર વખત કરવામાં આવશે. આ કામગીરીમાં પ્રાણી સંગ્રહાલયનો ૧૦૦ જેટલા કર્મીનો સ્ટાફ જોડાયો છે.

બર્ડ ફલુની આશંકાને લઇ પક્ષીઓના આવાગમન પર રોક લગાવી દેવાઇ છે. પરિણામે હવે બહારગામથી પક્ષીઓને લાવી નહી શકાય તેમજ બહારગાામ મોકલી પણ નહી શકાય.

પક્ષીઓના હેલ્થનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ માટે ૩ વેટરનરી ડોકટર, ૧ ઝૂ કિપર અને ૧ ઝૂ નાયકની સતત ેદેખરેખ રહેશે. જેથી પક્ષીઓમાં કોઇપણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તુરત કામગીરી કરી શકાય.

ઝૂના તમામ પાંજરામાં સેનેટાઇઝ કરવા માટે ર ટ્રેકટરની મદદ લેવાઇ રહી છે. તેમની ટેકમાં સેનેટાઇઝ ભરી પુરા પ્રેસરથી છંટકાવ થઇ રહ્યો છે.

(12:00 pm IST)