Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે કોર્ટએ આપ્યા તપાસના આદેશ

ભર શિયાળે રાજકારણમાં આવ્યો ગરમાવો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા. ૯:  ધોરાજીમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન થયેલા ભૂગર્ભ ગટરના તેમજ રોડ-રસ્તાના કામમાં જે તે સમયના સત્ત્।ાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મિલીભગત કરી જે પ્રકારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા તે મામલે ધોરાજીના જાગૃત નાગરિક અને એડવોકેટ ચંદુભાઈ પટેલ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ મોટા પાયે ઉચાપત અને ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જણાવેલ કે સત્ત્।ાધીશો અધિકારી અને કોન્ટ્રાકટરો દ્વારા ખોટા રિપોર્ટ તૈયાર કરી અને કરાવડાવી સરકારી નાણાની ઉચાપત અને ભ્રષ્ટાચાર થયું હોય અને ધોરાજીમાં પ્રજાલક્ષી કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાનું આક્ષેપ કરાયો હતો જેમાં નગરપાલિકાના તત્કાલીન પદાધિકારીઓ ચીફ ઓફિસર તેમજ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરો અને રોડ-રસ્તાના કોન્ટ્રાકટરોને જોડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૭માં ભૂગર્ભ ગટર યોજનાના જે કામો હાથ ધરાયા હતા તે અણઘડ પ્રકારે અને મનસ્વી રીતે કામ થતા હોવાની લોક ફરિયાદ ખૂબ મોટા પાયે ઉઠી હતી તેમજ આ કામગીરી સામે આ કામગીરી સામે જન આંદોલન પણ મોટા પ્રમાણમાં વ્યાપક બન્યુ હતું રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ને ધોરાજી શહેરમાં એક વખત આંદોલન અને ચક્કાજામ પણ યોજાયા હતા તેમજ જે તે સમયે ભૂગર્ભ ગટરના કામોને લઇ જિલ્લા કલેકટર અને ડેપ્યુટી કલેકટર દ્વારા પણ નગરપાલિકાને અને સંબંધિત એજન્સીને નોટિસ પાઠવવામાં આવી હતી તેમજ જે તે સમયે સરકાર દ્વારા ધોરાજી નગરપાલિકા સુપરસીડ પણ કરવામાં આવી હતી.

પ્રજાની હાલાકી વખતે એડવોકેટ દ્વારા દાખલ કરાયેલ ફરિયાદને ધ્યાને લઇ તારીખ ૬- ૧- ૨૦૨૧ના રોજ ધોરાજી જયુડિશિયલ કોર્ટ દ્વારા કલમ ૨૦૨ હેઠળ ભ્રષ્ટાચારના મામલે તપાસના આદેશો આપવામાં આવતાં ધોરાજી નગરપાલિકાના રાજકારણમાં ભરશિયાળે ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

(11:40 am IST)