Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કચ્છના રણોત્સવ ટેન્ટસિટીમાં ભીષણ આગઃ ૪ તંબુ ભસ્મીભૂત

હીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણઃ વહેલી સવારે દોડધામઃ જાનહાની ટળી

તસ્વીરોમાં રણોત્સવનાં ટેન્ટ સિટીમાં માલસામાન ભસ્મીભૂત થયેલ નજરે પડે છે.

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯: ઘોરડો ટેન્ટસિટીમાં સમયાંતરે આગના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આજે ફરી એકવાર ભીષણ આગ લાગતા ચાર તંબુ બળીને ખાખ થઇ જવા સાથે પ્રવાસીઓનો માલ સામાન પણ આગની જવાળાઓમાં રાખ બની ગયો હતો. ફાયર શાખાની ત્વરીત કામગીરીના પગલે સમગ્ર ટેન્ટસિટી આગની જવાળાઓમાં લપેટાતા સહેજે બચી ગઇ હતી.

આ અંગેની વિગતો મુજબ કચ્છમાં દર વર્ષની જેમ ચાલુ સાલે આયોજીત રણોત્સવમાં લાખો પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. ખાસ તો અહીંની ટેન્ટસિટી દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ ટેન્ટમાં રહી રણની ચાંદની સાથે આહલાદ દ્રશ્યનો નજારો માણતા હોય છે, પરંતુ ખુશાલીની પળો વચ્ચે ટેન્ટસિટીમાં અચાનક ભયાવહ આગ ફાટી નિકળતા અફરાતફરી ફેલાઇ જવા પામી હતી. ઘોરડો ટેન્ટસિટીના ડિલક્ષ રૂમમાં આગનો બનાવ બનવા પામ્યો હતો.

અહીંના પીઆરઓ અમીત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ચાર ટેન્ટમાં આગ લાગી હતી, જેમાં પ્રવાસીઓનો સામાન, અગત્યના કાગળો સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થયો હતો. જો આગ ત્વરીત ન બુજાવાત તો સમગ્ર ટેન્ટસિટી આગની જવાળાઓમાં લપેટાઇ હોત. ત્વરીત કામગીરીથી આગ અંકુશમાં આવી હોવાનું જણાવી પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો કરાયો હતો. આગ પાછળ પ્રવાસીએ ચાલુ કરેલા હીટરના કારણે થયેલી શોર્ટ સર્કિટને કારણભૂત બતાવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે આગનો આ બીજો બનાવ છે, આ અગાઉ પણ ટેન્ટસિટીમાં આગ ભભૂકી છે. ગત વર્ષે પણ આગના છમકલા થયા હતા, જે ગંભીર ઘટના કહી શકાય તેમ છે. છાશવારે બનતી આગની ઘટનાઓ મુદ્દે તંત્ર ટેન્ટસિટીના સંચાલકોના પુછાણા લે જરૂરી બનવા પામ્યું છે. (૭.ર૯)

ટેન્ટ સિટીના જવાબદારોએ હાથ ખંખેરી લીધા

ભુજ તા. ૯: ટેન્ટસિટીના જવાબદારોએ આગની ઘટના બાદ હાથ ખંખેરી લીધા હતા. પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે આગની ઘટના બાદ પોલીસને કે તંત્રને જાણ ન થાય તે માટે બળી ગયેલા સામાન સહિતના આગના પુરાવા નાશ કરી દેવાયા હતા. એકતરફ પ્રવાસીઓ પોતાની સલામત દોડધામ કરી રહ્યા હતા, બીજી તરફ તગડું ભાડું વસુલતા જવાબદારો સુરક્ષા મુદ્દે હાથ ખંખેરી સબસલામતના દાવા પોકારી રહ્યા છે. પોલીસ અને તંત્ર આ બાબતે તપાસ કરે તે જરૂરી છે. બહારથી આવતા પ્રવાસીઓ કચ્છની મહેમાનગતી અને સુવિધાની છાપ લઇને જાય છે, પરંતુ આવા બનાવોથી વિશ્વ ફલક પર નામના મેળવનાર કચ્છની સુંદરતાને બટ્ટો લાગી રહ્યો છે. (૭.ર૯)

યુએસથી આવેલા પ્રવાસીની રડમસ અવાજે વેદના 'હવે અમે કયાં જઇએ?'

અમેરિકન પ્રવાસીના ડોલર, કપડા, દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ બળીને થયો ખાખઃ ટેન્ટસિટીના સંચાલકોની લાપરવાહીથી આગ વિકરાળ  બની હોવાનો આક્ષેપ

ભુજ તા. ૯: ટેન્ટસિટીના તંબુમાં આગની ઘટનામાં યુએસથી આવેલા પ્રવાસીનો તમામ સરસામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. સમગ્ર ઘટના બાબતે ભોગગ્રસ્ત પ્રવાસી જીગ્નેશ પટેલે કચ્છ ઉદય સમક્ષ આપવીતિ જણાવતા કહ્યું કે,અમે મુળ અમદાવાદના વતની છીએ અને યુએસમાં લોસ એન્જલીસમાં રહીએ છીએ. કચ્છના રણોત્સવને માણવા અમે ટેન્ટસિટીમાં રોકાયા છીએ. આજે સવારે હું ટેન્ટસિટીની બહાર ફરવા ગયો ત્યારે અચાનક આગ ફાટી નિકળી હતી. સંચાલકોને આગની ઘટનાની ખબર પણ ન હતી. બાજુના ટેન્ટના પ્રવાસીએ આગ અંગે શોરબકોર કરતા અમે દોડી ગયા હતા અને તરત અમારા સંતાનોને ટેન્ટની બહાર કાઢયા હતા. તેમના પત્નિધારાબેન પટેલે રડમસ અવાજે કહ્યું કે, આગની ઘટનાથી અમે તો મોતને સામે જોયું છે. જરા સરખીય લાપરવાહી થઇ હોત તો અમારા વહાલસોયા સંતાનો સામે જોખમ આવી પડત. વધુમાં જણાવ્યું કે, ટેન્ટમાં રહેલા અમારા કપડા, ડોલર, ક્રેડીટકાર્ડ સહિતના અગત્યના દસ્તાવેજો સહિતનો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો છે. ભગવાનની મહેરબાનીથી પાસપોર્ટ સાથે રાખેલા પર્સમાં હતા તે સલામત છે પરંતુ તમામ કપડા અને રૂપિયા બળીને ખાખ થઇ ગયા છે. હવે અમે અહીંથી પરત કેવી રીતે જઇશું તે સવાલ અમને સતાવી રહ્યો છે. અમે ઉત્તરાયણ માણીને પરત જવાના હતા. અમે ડિલક્ષ ટેન્ટસિટીમાં એક દિવસ-બે રાતના રોકાણ માટે પ૦૦ ડોલર ચુકવ્યા હતા. (ભારતીય મુલ્ય પ્રમાણે રૂ. ૩પ૦૦૦), ટેન્ટસિટીમાં રહેવા માટે તગડી રકમ ચુકવવા છતાં અહીં સુવિધા આપવામાં આવતી નથી. ર૪ કલાક અહીં માણસ હાજર રહેવો જોઇએ. પરંતુ અહીં એવી કોઇ સુવિધા નહોતા સુરક્ષા-સલામતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

(3:34 pm IST)