Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગર જીલ્લા પંચાયત દ્વારા રિલાયન્સના સહયોગથી આંગણવાડી ઓન વ્હીલ પ્રોજેકટ

આંગણવાડીથી વંચિત વિસ્તારના બાળકો માટે આયોજન

જામનગર તા.૯:નેશનલ ન્યુટ્રીશન મિશન અંતર્ગત આંગણવાડીથી વંચિત વિસ્તારના બાળકોને આવરી લેવાના હેતુસર આંગણવાડીના મકાન બાંધકામ માટે તુરંત જગ્યા મળી શકે તેમ નથી એવા જિલ્લાના (૧) જોગવડ રામદુત નગર (ર) મોટી ખાવડી સતીવાડી (૩) ગાગવાધાર માટે આંગણવાડીની સુવિધા પુરી પાડવા ડે કેર સેન્ટર તરીકે બસ વાહનમાં આંગણવાડી ઓન વ્હીલ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સાથે પરામર્શ કરીને બે બસ વાહન નિઃશુલ્ક મેળવવામાં આવ્યા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સીએસઆર અંતર્ગત બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તે ધ્યાને લઇ ચાઇલ્ડ ફ્રેન્ડલી કેન્દ્ર બનાવવા બસની અંદર પેઇન્ટીંગ, ફર્નીચર તેમજ લાઇટ, પંખા, પાણી અને શૌચાલય સહિતની સુવિધાથી સંપન્ન ૦૨ બસ તૈયાર કરાવવામાં આવી.

આંગણવાડી ઓન વ્હીલ–ડે કેર સેન્ટરના સંચાલન માટે ત્રણ મહિલા સંચાલક અને બાળકોને પુરક પૌષ્ટીક આહાર સહિતનો સહયોગ ૦૧ વર્ષ માટે આ પાયલોટ પ્રોજેકટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પુરો પાડવામાં આવેલ છે.

તાજેતરમાં કલેકટરશ્રી રવિ શંકર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આ બન્ને આંગણવાડીનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ૧૫૨ બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટીક પુરક આહારની સાથોસાથ આરોગ્યની પણ સુવિધા પુરી પાડવા આરોગ્ય વિભાગને સાંકળી લેવામાં આવ્યો છે.  તદઉપરાંત આ વિસ્તારનાં ૦૭ માસથી ૦૩ વર્ષનાં બાળકો, સગર્ભા, ધાત્રી માતા તથા કિશોરીઓને પણ નિયમિત પુરક આહાર મળી રહે તે માટે આહારનો પુરક જથ્થો મેળવવા તથા આ ૦૩ ડે કેર સેન્ટરને નિયમીત આંગણવાડીમાં સમાવી લેવા મહિલા અને બાળ વિકાસ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(11:59 am IST)