Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પ્રભાસ પાટણ ઓ.જી. વિસ્તારમાં સફાઇ-ગંદા પાણીની સમસ્યાને લઇ લોકો ત્રાહીમામ

- સફાઇ કામદારો મુકેલ ન હોય ઠેર ઠેર ગંદકી-કચરાના ઢગલાની દુર્ગંધથી લોકોના આરોગ્ય પર ખતરો : ભુગર્ભ ગટર પુર્ણ થઇ પણ ગંદા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રોડ પર ગંદા પાણીની રેલમછેલ લોકો વાહન ચાલકો પરેશાનઃ તંત્ર ઊંઘે છે...!!

પ્રભાસ પાટણ તા. ૯ :.. વેરાવળ - પાટણ નગરપાલિકામાં જે નવા વિસ્તારો ભેળવવામાં આવેલ છે તે વોર્ડ નં. ર માં આવે છે. નગરપાલિકા ધારા-ધોરણ મુજબ હાઉસ ટેક્ષ, સફાઇ વેરા તથા અન્ય વેરાઓ વસુલ કરવામાં આવે છે.

આ વિસ્તારનાં મુખ્યત્વે લખાતવાડી, શાહીન સોસાયટી, ગુલાબનગર, મદીના સોસાયટી, શાંતિનગર તથા જનતા સોસાયટીઓ આવે છે જે સોસાયટીઓમાં અંદાજે એકાદ હજાર ઘરો આવેલા છે. અને નગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા છે. પરંતુ આ ગાડીઓ એકાંતરે અથવા ત્રણ - ચાર દિવસે આવે છે અને આ બાબતે સંપર્ક કરવામાં આવે તો કાંઇ ધ્યાન આપવામાં આવતુ નથી અને ઘરોમાં એકઠો થયેલ કચરો દુર્ગંધ મારવા લાગે છે. જેથી મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ થાય છે.

આ વિસ્તારોમાં સફાઇ કામદારો મુકેલ નથી જેથી રોડની સફાઇ થતી નથી જેથી રોડ ઉપર કચરાના ઢગલા જોવા મળે છે. દેવીપૂજક વિસ્તાર પાસે અધ્યાપન મંદિરની બાઉન્ડ્રી પાસે કચરાનાં ગંજ લાગેલા છે. જેની નીચે પાણીની પાઇપ લાઇનો આવેલ છે જે કયારેક લીકેજ થાય તો તેમાં ગંદુ પાણી ભળી જાય છે.

ગામનું પાણી ડોસીયામ તરફ જતા રસ્તા પર આવેલ ગટરની લાઇનમાં જાય છે પરંતુ તેની સાફ - સફાઇ થતી નથી હોવાથી ગંદુ પાણી ઓવર ફલો થઇ રસ્તા ઉપર ફેલાય છે અને આજુ બાજુનાં વિસ્તારનાં લોકોને રહેવું મુશ્કેલ બનેલ છે.

ભુગર્ભ ગટરની કામગીરી પુર્ણ થયેલ છે પરંતુ તેના ગંદા પાણીનાં નીકાલની વ્યવસ્થા હજુ સુધી થયેલ ન હોવાથી પાણીની ચેમ્બરો જામ થઇ ગઇ છે તેમાંથી ગંદુ પાણી ઓવરફલો થઇ રસ્તા ઉપર ફેલાય છે. આ વિસ્તારમાં રખડતા કૂતરા-ઢોર-ખૂંટીયાનો ત્રાસ પણ ભેર છે.

આ તમામ પ્રશ્નનાં નિરાકરણ માટે પ્રભાસ પાટણના એમ. એ. ભાદરકા દ્વારા ચીફ ઓફીસરને વારંવાર લેખિતમાં રજૂઆતો કરેલ છે છતાં પ્રશ્નોનાં ઉકેલ આવેલ નથી તો આ સમસ્યાઓનાં ઉકેલ માટે માગણી કરેલ છે.

(11:45 am IST)