Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

તળાજાના નીચડીના સરપંચને લઈ ભાજપ કોંગ્રેસનું સોસીયલ મીડિયા વોર

સરતાનપર કોંગ્રેસ કાર્યક્રમ માં સરપંચને કોંગ્રેસનો ખેસ પહેરેલ હોવાના ફોટા વાયરલ કરતા ભાજપ હરકતમાં

તળાજા, તા.૯: તળાજા વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગંદુ થઈ રહયુ છે. તેમ ગઈકાલથી કોંગ્રેસે નીચડીના સરપંચ કોંગ્રેસમાં ભળ્યા ના ફોટાઓ સાથે મેસેજ વાયરલ કર્યા બાદ ભાજપ હરકતમાં આવ્યૂ હતું. તેમણે સરપંચને બોલાવી પોતે ભાજપના જ સનિષ્ઠ કાર્યકર હોવાનું બોલવડાવી વિડિયો વાયરલ કરીને કોંગ્રેસને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

તળાજા ભાજપ અને કોંગ્રેસનું સરપંચના પક્ષ પલટાને લઈ રાજકારણ ગરમાયુ છે. જેનો ભોગ ગામડાના ભોળા માણસ એવા નીચડી ગામના સરપંચ ધીરુભાઈ ઢાપા બન્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર કોંગ્રેસના આગેવાન દ્વારા સરતાનપર બંદર ખાતે કોંગ્રેસના જન સંપર્ક અભિયાનમાં નીચડીના સરપંચ કોંગ્રેસમાં ભળ્યા અને તેમણે આગેવાનોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હોવાના મેસેજ વાયરલ કરેલ.

આ મેસેજની ભાજપ ગંભીર નોંધ લેશે તેવું કોંગ્રેસ કે સરપંચ એ પણ નહીં વિચાર્યું હોય. પરંતુ ભાજપ પણ એકશન મોડમાં આવી ગયું હતું. જિલ્લા કક્ષાના આગેવાનોને નીચા દેખાડવા માંગતા હોય તેમ ભાજપના સૂત્રોએ પણ નીચડીના સરપંચને કમલના સિમ્બોલવાળા ધ્વજ આગળ ઉભા રાખીને પોતે ભાજપના જ સનિષ્ઠ કાર્યકર હોવાનો વિડિઓ ઉતારી કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા હોય તેમ ગણતરીની કલાકોમાં જ વાયરલ કરી દીધો હતો.

આમ એક સરપંચના પક્ષપલટાની વાતને લઈ ભાજપ કોંગ્રેસ બન્નેએ સોસીયલ મીડિયા વોર શરૂ કરી હતી. જેમાં સરપંચની કહી શકાય કે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ કરવામાં આવી હોવાનું જણાય છે.

(2:31 pm IST)