Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

પૂ. નમ્રમુનિ મ.સા.નાં સાંનિધ્યે જૂનાગઢનાં ભાવિકો જ્ઞાનવાણીમાં ભીંજાયા

ગુરુની કૃપા શિષ્યનું કલ્યાણ કરે છે

 રાજકોટઃ જૂનાગઢનાં અનેક ક્ષેત્રોને જ્ઞાનવાણીથી ભાવિત કરનારાં રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે   ઉમિયા સોસાયટી સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં દિવ્યનાદથી ઉવસગહરં સ્તોત્રની સાધના બાદ ભાવિકોને પ્રતિબોધતા ફરમાવ્યું કે ધર્મક્ષેત્રમાં સમજણ ગમે તેટલી હોય પરંતું જયાં સુધી સમર્પણતા ના હોય ત્યાં સુધી તે સમજ અણસમજ કે ગેરસમજમાં પરિવર્તિત થઈ જાય છે. જેમ જેમ ગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે, તેમ વધારે કંઈ શીખવું નથી પડતું, બધું આવડવા  લાગે છે. પરમાત્મા મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીએ પરમાત્માના માત્ર ૩ શબ્દો સાંભળીને સમગ્ર જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હતું. શબ્દો સાંભળે તે સામાન્ય, અને શબ્દો સમજે તે અસામાન્ય. અને આવી ભવ સાર્થકતાની અસામાન્ય અનુભૂતિ જયારે અનન્ય શરણાગતિનો અહેસાસ થાય, ત્યારે જ થતી હોય છે. કેમકે જયાં સમર્પણભાવ હોય છે, ત્યાં સદગુણોને આમંત્રણ આપવું ન પડે, પ્રગટી જાય.

 અત્યંત પ્રભાવક વાણીમાં ભાવિકોને પ્રેરણા આપતાં કહ્યું કે, પરમાત્મા વિનાના ભવ માટે પ્રબળ અફસોસનો ભાવ હોવો જોઈએ. સવાર પડે અને આંસુનાં બુંદ પડવાં જોઈએ કે મેં એવું શું કર્યું હશે કે પ્રભુ વિનાનો ભવ મળ્યો. જેને પ્રભુ વિયોગનો પસ્તાવો હોય છે તે જ પ્રભુનો ઉપાસક કે શ્રાવક હોય છે. પ્રભુનું સાંનિધ્ય અને કૃપા એવાં મેળવણ સમાન હોય છે, જે સામાન્યને અસામાન્ય બનાવી દે છે. ગુરુની કૃપા શિષ્યનું કલ્યાણ કરે છે. શિષ્યની પાત્રતાને જોઈને  જચારે ગુરૂ પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને વિપુલ પ્રમાણમાં અર્થ સમૃધ્ધિનો લાભ મળે છે.

અજાણતા પણ ધર્મક્ષેત્રમાં આશાતના ન થાય, તેના માટે પ્રેરણા આપતા પૂજયશ્રીએ આગળ ફરમાવ્યું કે ઉપાશ્રય કે ધર્મ સ્થાનક તે મન, વચન, કાયાને મૌન કરવાનું સ્થાન છે. માંગલિક તે માત્ર શબ્દો નથી, પરંતુ એવા વાઈબ્રેશન છે જે રાગ-દ્વેષને મંદ કરવાની ક્ષમતા ધરાવે છે. વાતચીત કે ઘોંઘાટથી પ્રભુનાં સ્પંદનોની અશાતના થાય છે અને એ જ આશાતના પ્રભુથી આપણને દૂર કરી દે છે.

(11:57 am IST)