Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કરૂણા અભિયાન અર્થે ભાવનગરમાં કલેકટરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠકઃ 'પક્ષી બચાવ'નું આગોતરૂ આયોજન

મકરસંક્રાંતે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં કંટ્રોલરૂમ, ૨૦ રીસીવીંગ સેન્ટરોમાં રાઉન્ડ ધ કલોક સેવા

ભાવનગર તા.૯: સમગ્ર રાજ્યમાં યોજાનારા કરૂણા અભિયાન-૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ગ્રૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના કલેકટરો સાથે આગોતરા આયોજન અર્થે બેઠક યોજી હતી.

કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ સહિતના જિલ્લાના અધિકારીઓએ આ આગોતરા આયોજન અર્થે યોજાયેલી બેઠકમાં હાજર રહી કરૂણા અભિયાન-૨૦૧૯ સંદર્ભે ગ્રુહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી વિગતો આપી હતી.

જિલ્લા કલેકટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના પાવન પર્વે ભાવનગર જિલ્લાના લોકો પતંગ ઉડાડશે ત્યારે પક્ષીઓને પતંગના દોરાથી ઇજા થાય ત્યારે તેની તાત્કાલિક સારવાર માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૧૦ કન્ટ્રોલ રૂમ, ૨૦ રીસીવીંગ સેન્ટર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહે તે મુજબનું આગોતરૂ આયોજન હાથ ધરાયુ છે. પશુ ડોકટરો, સ્વયંસેવકોની ટીમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરશે. તાલુકા લેવલ વનવિભાગ તથા મહાનગર લેવલે મ્યુ.કોર્પોરેશન દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જનજાગ્રુતિનું કામ કરશે, રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નં.૧૯૬૨ જાહેર કરવામાં આવી છે તેનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર વ્યાસ, મ્યુ. કમિશ્નર એમ.એ.ગાંધી, નાયબ વનસંરક્ષક ડો.સંદીપકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલ વ્યાસ, નાયબ મામલતદાર કિંજલ દોશી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.(૧૭.૩)

(11:56 am IST)