Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

અમરેલી સરંભડામાં હત્‍યાના કેસમાં આરોપીને આજીવન કેદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૮ : અમરેલીના સરંભડા ગામે ૨૦૧૦ની સાલમાં થયેલી હત્‍યામાં અમરેલીની ત્રીજા અધિક સત્ર ન્‍યાયાધિશ શ્રી વાય.એ.ભાવસારની કોર્ટે એક શખ્‍સને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી. આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના સરંભડા ગામમાં રાજુભાઇ પીઠાભાઇ વાળા તેમજ તેમના ભાઇ જયરાજભાઇ ઉર્ફે ઘોઘાભાઇ વાળા તથા પિતા પીઠાભાઇ વાળા ઉપર તા. ૨૨/૫/૨૦૧૦ના સવારે ૮:૩૦ કલાકે ભથ નામે ઓળખાતી સરંભડાની સીમમાં નાગજીભાઇની સીમમાં ગુનાહીત ઇરાદો બર લાવવા સશષાી હંગામો કરી જયરાજભાઇ ઉર્ફે ઘોઘાભાઇ પીઠાભાઉ વાળાની હત્‍યા કરી રાજુભાઇ અને પીઠાભાઇ ઉપર જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ગુનામાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ અગાઉ કોર્ટમાં કેસ ચાલી જતા આ બનાવમાં અન્‍ય આરોપીઓને સજા થયેલ હતી જ્‍યારે આ ગુનામાં સંડોવાયેલ દિલુ ટપુ વાળા પેરોલ ઉપર છુટી ફરાર થઇ ગયેલ અને થોડા સમય પહેલા અમરેલીની પેરોલ ફર્લો સ્‍કવોર્ડે પકડી પાડી જેલ હવાલે કરેલ. આ કેસ ત્રીજા અધિક સત્ર ન્‍યાયધીશ શ્રી વાય.એ.ભાવસારની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપી દિલુ ટપુભાઇ વાળાને ઇપીકો ૨૩૫(૨), ૧૨૦(બી), ૧૪૩,૧૪૭, ૧૪૮, ૩૨૫, ૩૨૬, ૩૦૨ સાથે વાંચતા તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા અને રૂા. ૫૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. ઉપરોકત કેસમાં જિલ્લા સરકારી વકીલ જે.બી.રાજગોરે ધારદાર દલીલો કરી હતી.

(2:23 pm IST)