Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જાણો કચ્છના રાપરમાં રિ કાઉન્ટીંગ શા માટે થયું? કચ્છની ૬ બેઠક ઉપર ભાજપના વિજય સાથે ભાજપ કોંગ્રેસ અને ત્રીજા સ્થાને રહેલ ઉમેવારને કેટલા મત મળ્યા?

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૮ : ૨૦૨૨ ની આ ચૂંટણીમાં ભાજપને કેટલા મત મળ્યા? કોંગ્રેસ, આપ અને AIMIM ના ઉમેદવારને કેટલા મત મળ્યા, અબડાસા માં અપક્ષ ઉમેદવારને કેટલા મત મળ્યા? રાપર, અબડાસા બેઠક ઉપર નો ઉતાર ચડાવ  એ વિશે ની માહિતી જાણીએ. એ ઉત્તેજનાનો અંત આવી ગયો છે. અબડાસા બેઠક ઉપર કોંગ્રેસ સતત આગળ રહી પણ અંતિમ ૫ રાઉન્ડ બાદ બાજી પલટાઈ. ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી લીડ કાપી એટલું જ નહીં પણ ૯૪૩૧ મતની સરસાઇ મેળવી સતત ત્રીજી વાર બેઠક જીતી  અબડાસામાં કોઈ બીજી વખત નથી જીતતું એ રાજકીય ચર્ચા અને માન્યતાને ભાંગી નાખી. અબડાસામાં ભાજપને ૮૦,૧૯૫ મત જ્યારે કોંગ્રેસને ૭૦,૭૬૪ મત મળ્યા. ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ ઊભા રહીને પડકાર સર્જનાર હકુમતસિંહ જાડેજાને માત્ર ૩૫૦૨ મત જ મળ્યા. માંડવી બેઠક ઉપર ભાજપના અનિરુદ્ધ દવેએ નવા ઉમેદવાર હોવા છતાંયે ૪૮,૨૯૭ જેવી જંગી સરસાઇ સાથે જીત મેળવી. AAP ના ઉમેદવાર કૈલાસદાન ગઢવી અને ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાઈ ટિકિટ મેળવનાર રાજેન્દ્રસિંહ જાડેજાના પડકાર સામે જબરદસ્ત લીડ સાથે જીત મેળવી. માંડવીમાં ભાજપને ૯૦,૩૦૩ જ્યારે કોંગ્રેસ ને ૪૨,૦૦૬ અને આપ ને ૨૨,૭૯૧ મત મળ્યા. ભુજના જંગને  AIMIM ના ઉમેદવાર શકીલ સમા એ રસપ્રદ બનાવ્યો સતત આગળ રહ્યા પણ છેલ્લે છેલ્લે કોંગ્રેસ પછી ત્રીજા ક્રમે રહ્યા. ભુજ બેઠક ઉપર કેશુભાઈ પટેલએ અને અત્યાર સુધીની જંગી ૫૯,૮૧૪ મતની લીડ થી વિજય મેળવ્યો. ભુજ બેઠક ઉપર ભાજપને ૯૬,૫૮૨ મત જ્યારે કોંગ્રેસને ૩૬,૭૬૮ અને AIMIM ને ૩૧,૨૯૫ મત મળ્યા. અંજાર બેઠક ઉપર ભાજપે નવા ઉમેદવાર તરીકે ત્રિકમભાઈ છાંગા (માસ્તર)ને પ્રથમવાર જંગમાં ઉતાર્યા. તેમણે ૩૭,૭૦૯ મત ની જંગી લીડ સાથે વિજય મેળવ્યો. અહીં ભાજપને ૯૯,૦૭૬ મત જ્યારે કોંગ્રેસને ૬૧,૩૬૭ મત અને આપ ને ૭૩૩૫ મત મળ્યા. ગાંધીધામ બેઠક ભાજપ ની હોટ ફેવરિટ રહી છે. અહીં બીજી વાર મેદાનમાં ઉતરનાર ભાજપના માલતીબેન મહેશ્વરીએ ૩૭,૮૩૧ મત થી વિજય મેળવ્યો. અહી ભાજપને ૮૩,૭૬૦ મત જ્યારે કોંગ્રેસને ૪૫,૯૨૯ અને આપ ને ૧૪,૮૨૭ મત મળ્યા. સૌથી વધુ રસપ્રદ ચુંટણી જંગ રાપર નો રહ્યો. અહીં ભાજપે વિરેન્દ્રસિંહ જાડેજાને બેઠક બદલાવી કોંગ્રેસનો ગઢ જીતવા મેદાનમાં ઉતાર્યા. તેમણે ૫૭૭ મતની પાતળી સરસાઇ સાથે જીતીને બાજી મારી. રાપરમાં કોંગ્રેસ એ પણ સતત પડકાર સર્જ્યો. રિ કાઉન્ટીંગ થયું પણ ભાજપે રાપર બેઠક જીતી એ સાથે જ કચ્છમાં ૬ એ ૬ બેઠક જીતી. રાપરમાં  રાજકીય ઈતિહાસ પણ રચ્યો સાથે સાથે કચ્છમાં પણ એક સામટી ૬ એ ૬ બેઠક જીતી ભાજપે રાજકીય ઈતિહાસ રચ્યો છે. રાપરના આંકડાઓ જોઈએ તો, ભાજપને ૬૬,૯૬૧ મત જ્યારે કોંગ્રેસને ૬૬,૩૮૪ મત મળ્યા. કચ્છ જિલ્લાની ૬ બેઠક ઉપર ૧૯૯૦ ની વિધાનસભા ચુંટણી થી ૨૦૧૭ સુધી ની ૭ ચુંટણીઓમાં ભાજપ ક્યારેક ૫, ક્યારેક ૪ બેઠક જીતતો રહ્યો. એક માત્ર ૨૦૦૨ માં ભાજપને ૨ બેઠક મળી. બાકી તો મોટે ભાગે ભાજપને બહુમતી જ મળી છે. આ ચુંટણીમાં જીતનો શ્રેય મોદી મેજિક ને જ જાય છે.

(7:17 pm IST)