Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબી સિરામીક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગેસ સપ્‍લાયમાં અદાણીની એન્‍ટ્રી

ગુજરાત ગેસના મોંઘા પાઈપલાઈન ગેસ સામે અદાણી સસ્‍તો એલપીજી ગેસ પૂરો પાડશેઃ ૭૦ ફેકટરીઓમાં સપ્‍લાય શરૂ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૮: મોરબી સિરામીક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આજથી નવો ઇતિહાસ રચાયો છે, અત્‍યાર સુધી કોલગેસ પ્‍લાન્‍ટ અને બાદમાં ગુજરાત ગેસના ભાવની ચુંગાલમાં ફસાયેલા સીરામીક ઉદ્યોગને આજથી અદાણી એલપીજી અને પ્રોપેન ગેસના ખુલ્લા બજારમાં ઉડવા આઝાદી મળી હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે મોરબીમાં અદાણી ગેસ દ્વારા મુન્‍દ્રા પોર્ટથી ગેસ સપ્‍લાય ચાલુ કરવામાં આવતા આજથી જ ૭૦ જેટલી ફેકટરીઓમાં અદાણી ગેસનો વપરાશ શરૂ થયો છે, બીજી તરફ ગુજરાત ગેસનો વપરાશ ઘટીને દૈનિક ૪૫ લાખ કયુબિક મીટરથી ૨૦થી ૨૫ લાખ કયુબિક મીટર થઈ જવા પામ્‍યો છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્‍લસ્‍ટરમાં ઓગસ્‍ટ ૨૦૨૧થી મંદીના ડાકલા વાગવાની સાથે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન ગેસના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો અમલી કરતા સીરામીક ઉદ્યોગ હાલમાં અસ્‍તિત્‍વ ટકાવવા ઝઝૂમી રહ્યો છે. જો કે ગુજરાત ગેસની મોનોપોલી સામે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા સસ્‍તા ગેસના વિકલ્‍પ માટે લાંબા સમયથી અખતરાઓના અંતે એલપીજી અને પ્રોપેન ગેસનો વિકલ્‍પ અપનાવ્‍યો હતો. જો કે પ્રોપેન ગેસ અને એલપીજી ગેસની સપ્‍લાયમાં અંતરાયો જોતા ઉદ્યોગકારો મુંજવણમાં મુકાયા હતા.

બીજી તરફ મોરબીના પટેલ ઓક્‍સિજન વાળા ટી.ડી.પટેલ દ્વારા એલપીજી અને પ્રોપેન ગેસ સપ્‍લાય માટે બીડું ઝડપી લઈ આજથી અદાણી કંપની સાથે ટાઇઅપ કરી મોરબીમાં વિધિવત ડિસ્‍ટ્રીબ્‍યુટર શિપ શરુ કરતા આજે શરૂઆત સાથે જ મોરબીમાં પ્રથમ દિવસે ૭૦ એકમોમાં એલપીજી સપ્‍લાય શરુ કરવામાં આવી છે. વધુમાં ગુજરાત ગેસના ૬૧થી ૬૩ રૂપિયા સામે અદાણી એલપીજી ગેસ ૫૮.૧૫ પૈસાના ભાવે મળી રહ્યો હોવાનું તેઓએ ઉમેરી મોરબીના ઉદ્યોગકારો માટે મુન્‍દ્રાથી ઝડપભેર સપ્‍લાય આપવામાં આવી રહી હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં હાલમાં ૭૫૦થી વધુ સીરામીક એકમો આવેલા છે જેમાંથી ૩૦૦થી વધુ એકમો મોંઘાભાવના પાઈપલાઈન નેચરલ ગેસને બદલે એલપીજીનો વપરાશ શરૂ કર્યો છે અને હજુ પણ ૭૦ થી વધુ એકમોમાં એલપીજી પ્‍લાન્‍ટ ફિટ થઈ રહ્યા હોવાનું ટી.ડી.પટેલે જણાવી સસ્‍તા એલપીજી ગેસ માટે તેમની પાસે ૧૫૦થી વધુ રજીસ્‍ટ્રેશન થયા છે અને હજુ પણ વધુને વધુ પ્‍લાન્‍ટ એલપીજીમાં કન્‍વર્ટ થઇ રહ્યા હોવાનું જણાવ્‍યું હતું.

ઉલ્લખનીય છે કે ગુજરાત ગેસના ભાવવધારા પૂર્વે મોરબીમાં સીરામીક એકમોમાં પ્રતિ દિવસ ૫૫ લાખ કયુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો પરંતુ ઓગસ્‍ટ ૨૦૨૧થી ગેસના ભાવમાં તોતિંગ વધારો થતા ધીમે ધીમે નેચર ગેસની ખપત ઘટતી ગઈ હતી ત્રણ મહિના પૂર્વે ૪૫ લાખ કયુબિક મીટર ગેસના વપરાશ સામે આજે ગુજરાત ગેસનો દૈનિક વપરાશ ઘટીને ૨૦થી ૨૫ લાખ કયુબિક મીટર થઇ ગયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

(12:13 pm IST)