Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભવિષ્‍યમાં આવી દુષ્‍કર્મની ઘટનાઓ ન બને તે માટે કડક પગલા જરૂરી : કાંતિલાલ અમૃતિયા

પૂર્વ ધારાસભ્‍ય કાનાભાઇએ મહિલા સફાઇ કર્મચારી પર થયેલા અધમ કૃત્‍યને વખોડી કાઢી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબીમાં સફાઈ સૈનિક ગણાતા મહિલા સફાઈ કર્મચારી ઉપર અધમ કૃત્‍ય આચારવાના બનાવથી પૂર્વ ધારાસભ્‍ય કાનાભાઈ અમૃતિયાએ ખૂબ જ વ્‍યથિત થઈ આ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડી કાઢી દુષ્‍કર્મની ઘટનામાં આરોપીઓ ગમે તેવા ચમરબંધી હોય તો પણ તેઓને છોડવા નહિ અને સઘન તપાસ કરો તેવી તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ માંગ ઉઠાવી ભવિષ્‍યમાં આવી દુષ્‍કર્મની ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં જરૂરી હોવાનું જણાવ્‍યું હતું.

મોરબીના પૂર્વ ધારાસભ્‍ય કાનાભાઈ અમૃતિયાએ સફાઈ કર્મચારીનું અપહરણ કરી ગેંગ રેપ કરનાર આરોપીઓની સઘન તપાસ કરી સખત નશ્‍યત મળે તેવી માંગ કરી છે. કાંતિભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે,સભ્‍ય સમાજને શર્મસાર કરે તેવી ઘટનામાં સફાઈ કર્મચારીનું અપહરણ કરી એકથી વધારે આરોપી દ્વારા આચરવામાં આવેલ દુષ્‍કર્મથી તેઓ ખૂબ વ્‍યથિત છે અને આરોપીઓ ગમે તેવા ચમરબંધી હોય તો પણ તેઓને છોડવા નહીં. તેમની સઘન તપાસ કરી તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા તપાસનીશ અધિકારીને અનુરોધ કર્યો છે.સભ્‍ય સમાજના પ્રત્‍યેક નાગરિકની સહાનુભૂતિ પીડિતાની સાથે જ છે અને આ ઘટના માટે જે કંઈ પણ કરી છૂટવું પડશે તે કરી છૂટશે. તેવો સધિયારો પણ આપ્‍યો છે અને ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા માટે પણ તંત્રને ભલામણ કરી હોવાનું તેમને અંતમાં જણાવ્‍યું હતું.

(10:24 am IST)