Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબી સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ સપ્લાયમાં અદાણીની ધમાકેદાર એન્ટ્રી.

 ગુજરાત ગેસના મોંઘા પાઈપલાઈન ગેસ સામે અદાણી સસ્તો એલપીજી ગેસ પૂરો પાડશે : 70 ફેકટરીઓમાં આજથી સપ્લાય શરૂ 

મોરબી સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં આજથી નવો ઇતિહાસ રચાયો છે, અત્યાર સુધી કોલગેસ પ્લાન્ટ અને બાદમાં ગુજરાત ગેસના ભાવની ચુંગાલમાં ફસાયેલા સીરામીક ઉદ્યોગને આજથી અદાણી એલપીજી અને પ્રોપેન ગેસના ખુલ્લા બજારમાં ઉડવા આઝાદી મળી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીમાં અદાણી ગેસ દ્વારા મુન્દ્રા પોર્ટથી ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવતા આજથી જ 70 જેટલી ફેકટરીઓમાં અદાણી ગેસનો વપરાશ શરૂ થયો છે, બીજી તરફ ગુજરાત ગેસનો વપરાશ ઘટીને દૈનિક 45 લાખ ક્યુબિક મીટરથી 20થી 25 લાખ ક્યુબિક મીટર થઈ જવા પામ્યો છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરમાં ઓગસ્ટ 2021થી મંદીના ડાકલા વાગવાની સાથે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન ગેસના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો અમલી કરતા સીરામીક ઉદ્યોગ હાલમાં અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યો છે. જો કે ગુજરાત ગેસની મોનોપોલી સામે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા સસ્તા ગેસના વિકલ્પ માટે લાંબા સમયથી અખતરાઓના અંતે એલપીજી અને પ્રોપેન ગેસનો વિકલ્પ અપનાવ્યો હતો. જો કે પ્રોપેન ગેસ અને એલપીજી ગેસની સપ્લાયમાં અંતરાયો જોતા ઉદ્યોગકારો મુંજવણમાં મુકાયા હતા.
બીજી તરફ મોરબીના પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ દ્વારા એલપીજી અને પ્રોપેન ગેસ સપ્લાય માટે બીડું ઝડપી લઈ આજથી અદાણી કંપની સાથે ટાઇઅપ કરી મોરબીમાં વિધિવત ડિસ્ટ્રીબ્યુટર શિપ શરુ કરતા આજે શરૂઆત સાથે જ મોરબીમાં પ્રથમ દિવસે 70 એકમોમાં એલપીજી સપ્લાય શરુ કરવામાં આવી છે. વધુમાં ગુજરાત ગેસના 61થી 63 રૂપિયા સામે અદાણી એલપીજી ગેસ 58.15 પૈસાના ભાવે મળી રહ્યો હોવાનું તેઓએ ઉમેરી મોરબીના ઉદ્યોગકારો માટે મુન્દ્રાથી ઝડપભેર સપ્લાય આપવામાં આવી રહી હોવાનું તેમને ઉમેર્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં હાલમાં 750થી વધુ સીરામીક એકમો આવેલા છે જેમાંથી 300થી વધુ એકમો મોંઘાભાવના પાઈપલાઈન નેચરલ ગેસને બદલે એલપીજીનો વપરાશ શરૂ કર્યો છે અને હજુ પણ 70 થી વધુ એકમોમાં એલપીજી પ્લાન્ટ ફિટ થઈ રહ્યા હોવાનું ટી.ડી.પટેલે જણાવી સસ્તા એલપીજી ગેસ માટે તેમની પાસે 150થી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને હજુ પણ વધુને વધુ પ્લાન્ટ એલપીજીમાં કન્વર્ટ થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
  અત્રે ઉલ્લખનીય છે કે ગુજરાત ગેસના ભાવવધારા પૂર્વે મોરબીમાં સીરામીક એકમોમાં પ્રતિ દિવસ 55 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો પરંતુ ઓગસ્ટ 2021થી ગેસના ભાવમાં તોતિંગ વધારો થતા ધીમે ધીમે નેચર ગેસની ખપત ઘટતી ગઈ હતી ત્રણ મહિના પૂર્વે 45 લાખ ક્યુબિક મીટર ગેસના વપરાશ સામે આજે ગુજરાત ગેસનો દૈનિક વપરાશ ઘટીને 20થી 25 લાખ ક્યુબિક મીટર થઇ ગયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે

(10:28 pm IST)