Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભુજમાં વોકળા ફળિયામાં જુની લોહાણા મહાજનવાડી પાસે તકેવાલી મસ્‍જીદ સામે 100થી 150 વર્ષ જુના બોરડીના ઝાડમાં દરરોજ સવાર-સાંજ 10 થી 15 હજાર ચકલીઓનો કબબલાટ

એક સાથે એક જ જગ્‍યાએ મોટા પ્રમાણમાં પક્ષીઓનું ચીં...ચીં...

ભુજ: ભુજના વોકળા ફળિયામાં આવેલ જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડ છે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. તો ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં બોરડીનું આ એકમાત્ર વૃક્ષ છે. જેની ડાળીઓ જમીનને અડવા માંડી છે. કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નહીં જ્યાં આટલી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હોય.

અગાઉ ભુજ અંજાર હાઇ વે પર આવેલ શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર પણ મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. પરંતુ વોકળા ફળિયાના બોરડીના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ બીજે કોઈ ઝાડ પર જોવા નથી મળતી. શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ કરતાં અનેક ગણી ચકલીઓ વોકળા ફળિયાના ઝાડ પર જોવા મળે છે. આ અંગે સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ ઝાડ પર ચકલીઓ મોટા પ્રમાણમાં દેખાય છે અને કલબલાટ કરે છે.

આ નજારો લોકો વર્ષોથી જોતા આવ્યા છે. આ ઝાડ પર ચકલીઓ અને તેમનો વસવાટ છેલ્લા 80-100 વર્ષથી છે. આ ઝાડ પણ 100 કરતા પણ વધારે વર્ષો જૂનું છે. જો કે છેલ્લા થોડાક સમયમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે તેમ છતા પણ ઝાડની એક પણ ડાળ ખાલી નથી હોતતી. આખુ ઝાડ જાણે બોરનું નહી પરંતુ ચકલીનું હોય તેવા દ્રશ્યો સાંજે અને સવારે સર્જાય છે. સવારના ભાગમાં એલાર્મની જરૂર પડતી નથી. ચકલીઓના અવાજથી જ ઉઠી જવાય છે.

(4:43 pm IST)