Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિછીયાના નાના માત્રા ગામના ઉંમેશ કોળીની સાયલાના ગંગાજળ ગામે વાડીમાં ભેદી હત્યા

છ મહિનાથી વાડી વાવવા રાખી છેઃ રાત્રીના ખેતરમાં રોજડા ન ઘુસે તે માટે રખોપુ કરવા સુતો હતોઃ ગળા-છાતી-માથામાં ઘા ઝીંકી હત્યાઃ મૃતદેહનું રાજકોટ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૮: વિછીયાના નાનામાત્રા ગામના વતની અને હાલ છએક મહિનાથી સાયલાના ગંગાજળ ગામે ખેતર વાવવા રાખ્યું હોઇ ત્યાં રહેતાં ઉંમેશ હકાભાઇ ગાંભડીયા (ઉં.વ.૨૦) નામના કોળી યુવાનની હત્યા થઇ જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાત્રીના સમયે વાડીમાં રોજડા ઘુસી ન જાય એ માટે રખોપુ કરવા વાડીએ સુતેલા ઉંમેશને ગળા, છાતી અને માથાના ભાગે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો છે. તેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
હત્યાનો ભોગ બનનાર ઉંમેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેના પિતા પણ ખેત મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ મુળ નાના માત્રાના વતની ઉંમેશે છએક મહિનાથી સાયલાના ગંગાજળ ગામે ખેતર વાવવા રાખ્યું હોઇ બધા ત્યાં રહે છે. ઉંમશે તા. ૭ના રાતે ખેતરમાં રખોપુ કરવા માટે સુતો હતો. ગઇકાલે સવારે પરિવારજનો વાડીએ ગયા ત્યારે ઉંમેશની લાશ જોવા મળી હતી. ગળા, છાતી અને માથામાં છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા થયા હોઇ સાયલા પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડ્યો છે.
ઉંમેશને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું અને તેને કોણ શા માટે મારી ગયું? તે અંગે પોતે કંઇ જાણતા નહિ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સાયલા પોલીસ આગળ તપાસ કરશે.

 

(11:12 am IST)