Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જૂનાગઢમાં ગેરકાયદે કતલખાના ચલાવતા તત્વો સામે પોલીસની લાલઆંખ

પીએસઆઈ એ.બી. દત્તા અને આર.પી. ચુડાસમાની પ્રસંશનીય કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢ શહેરમાં ગેરકાયદે કતલખાના ચલાવતા તત્વો સામે પોલીસે લાલઆંખ કરતા તંત્રની આ કામગીરીને વ્યાપક આવકાર મળ્યો છે.
ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી પોલીસ તંત્રએ ગેરકાનૂની પ્રવૃતિઓ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરી છે.
ખાસ કરીને ગૌવંશની ગેરકાયદે કતલ કરતા તત્વોને ઝેર કરવા માટે જૂનાગઢમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ એ-ડિવીઝનના પીઆઈ એમ.એમ. વાઢેરના માર્ગદર્શનમાં પીએસઆઈ એ.બી. દત્તા અને આર.પી. ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં પીએસઆઈ શ્રી દત્તા અને શ્રી ચુડાસમાની ટીમે શહેરના ધારાગઢ દરવાજા પાસે ફરજાના હોલ સામે ગેરકાયદે ધમધમતા કતલખાનાનો પર્દાફાશ કર્યો હતો.
અહીંથી પોલીસે મહમદ રજાક ઉંર્ફે હાજી ગફાર ધાનાણી, શફી હાસમ બેલીમ અને મુસ્તાક અહેમદને ભેંસની કતલ કરતા રંગેહાથ ઝડપી લઈ રૂા. ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી આર.પી. ચુડાસમા અને એ.બી. દત્તાએ અગાઉં પણ આ ત્રિપુટીને કતલખાનુ ચલાવતા પકડી પાડી હતી, પરંતુ આ શખ્સોએ ફરીથી કતલખાનુ શરૂ કર્યુ હોવાની જાણ થતા બન્ને પોલીસ અધિકારીઓએ ફરીથી પહોંચી ઈસમોને પકડી પાડયા હતા.
શ્રી દત્તા અને શ્રી ચુડાસમાની કાર્યવાહી એવી છે કે તેઓ ફરજ દરમ્યાન આખી રાત્રીનો ઉંજાગરો કે થાક હોય તો પણ તેની પરવા કર્યા વગર કતલખાનાની બાતમી મળતા સાથે જ દોડી જઈને ગેરકાયદે કતલ કરતા તત્વોને પકડી પાડીને જ નિરાંતનો શ્વાસ લેતા હોવાનું જાણવા મળેલ છે.
પીએસઆઈ શ્રી દત્તા અને શ્રી ચુડાસમાની આ પ્રકારની ત્વરીત કાર્યવાહીને ગૌપ્રેમીઓ સહિતના લોકોએ આવકારીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

(10:29 am IST)